નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈથિયોપિયાની ઐતિહાસિક દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને ઈથિયોપિયાના સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન મોદીને ઈથિયોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઈથિયોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈથિયોપિયાના વડાપ્રધાન ડો. અબી અહેમદ અલીએ એક વિશેષ સમારોહમાં પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કર્યો હતો.
ભારત અને ઈથિયોપિયા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટેના અસાધારણ યોગદાન અને વૈશ્વિક સ્તરે તેમના દૂરંદેશી નેતૃત્વની કદરરૂપે પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી આ સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર વિશ્વના પ્રથમ રાષ્ટ્રાધ્યક્ષ બન્યા છે. આ સાથે જ, ઈથિયોપિયા વિશ્વનો 25મો દેશ બન્યો છે જેણે વડાપ્રધાન મોદીને પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું હોય.
આ પ્રસંગે ગદગદિત ભાવે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓ પૈકીની એક એવી ઈથિયોપિયાની ભૂમિ પર આ સન્માન સ્વીકારવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. હું આ એવોર્ડને 1.4 અબજ ભારતીયો અને એ તમામ લોકોને સમર્પિત કરું છું જેમણે પેઢીઓથી બંને દેશોના સંબંધોને મજબૂત બનાવ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે છેલ્લા એક સૈકાથી ભારતીય શિક્ષકો ઈથિયોપિયાના રાષ્ટ્ર નિર્માણમાં પાયાનું યોગદાન આપી રહ્યા છે, જે ભારત માટે ગર્વની વાત છે.
વડાપ્રધાન મોદી 16-17 ડિસેમ્બર 2025 દરમિયાન ઈથિયોપિયાના પ્રવાસે છે. અગાઉ, જોર્ડનનો પ્રવાસ પૂર્ણ કરી તેઓ જ્યારે અદીસ અબાબા પહોંચ્યા ત્યારે વડાપ્રધાન અબી અહેમદ પોતે તેમને લેવા એરપોર્ટ પહોંચ્યા હતા અને ગળે મળીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓએ ફ્રેન્ડશિપ પાર્ક અને વિજ્ઞાન સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જ્યાં મહત્વના દ્વિપક્ષીય વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

