Site icon Revoi.in

પાટડી તાલુકાના બજાણા ગામની સીમમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરોમાં ફરી વળ્યા

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટડીનાં બજાણા ગામની સીમમાં નર્મદા વિભાગ દ્વારા આશરે 15 વર્ષ પહેલા માઈનોર કેનાલ બનાવવામાં આવી હતી. આ કેનાલને સફાઈ કરવામાં ન આવતા કેનાલમાં માટી અને કચરોના ઢગ જોવા મળ્યા હતા. દરમિયાન તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ ઊભરાઈને પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા હતા. તેથી પાકને નુકશાન થયુ હતું, હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.

પાટડીના બજાણા વિસ્તારના ખેડુતોના કહેવા મુજબ આ કેનાલમાં આજદિન સુધી પાણી જ આવ્યું નથી. અને આ કેનાલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. આ કેનાલ બિસ્માર હોવાથી આગળથી આવતું કેનાલનું પાણી ખેતરોની બાજુમાંથી વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી નેકમાં આવી રહ્યું છે. આ નેકમાંથી ખેડુતોએ વાવેલા કપાસનાં પાકમાં પાણી ફરી વળતા ખેડુતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, આ કેનાલ સાફ કરવા અને ફરી ચાલુ કરવા અનેકવાર લેખીત-મૌખીક રજુઆત કરી છે, છતાં તંત્ર દ્વારા આજદિન સુધી આ કેનાલનું કાંઈ જ કામ કરવામાં ન આવતા ખેતરમાં ફરી વળેલા પાણીથી કપાસનો ઊભો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, પાટડી તાલુકામાં અનેક જગ્યાએ કેનાલોની સફાઈ કરવામાં આવી નથી. તેમજ કેટલીક જગ્યાએ કેનાલોમાં પાણી આવ્યા પહેલા જ કેનાલો તુટી ગઈ છે. પાટડી તાલુકાનાં ખેડૂતોએ આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Exit mobile version