Site icon Revoi.in

નસવાડીઃ સરકારી પ્રાથમિક શાળા છે, પણ શિક્ષકો આવતા જ નથી, બાળકો ક્યાંથી ભણે?

Social Share

છોટા ઉદેપુરઃ રાજ્યના અંતરિયાળ ગામડાંઓ તેમજ આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષકો અનિયમિત રહેતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. નસવાડી તાલુકાની પંખાડા(જી) પ્રાથમિક શાળામાં શિક્ષકો જ અનિયમિત રહેતાં 25 જેટલાં બાળકોના અભ્યાસ પર અસર થઇ રહી છે. ઘણીવાર બાળકોને બહાર જ ઓટલા પર બેસાડીને ભણાવાય છે. રોષિત ગ્રામજનોએ આ બધી સમસ્યાઓની તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરતાં ગ્રુપ આચાર્ય અને સીઆરસીએ શાળાએ પહોંચી ગ્રામજનોનાં નિવેદનો લીધા હતા.

રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલો ગણાય છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં શિક્ષકો શાળામાં આવતા જ ન હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. ઘણા ગામો તો એવા છે, કે આદિવાસી લોકોને ક્યા ફરિયાદ કરવી તેની સમજ પડતી નથી. શિક્ષણ વિભાગે પણ અંતરિયાળ ગામોની શાળાઓનું સરપ્રાઈઝ ચેકિંગ કરવું જોઈએ. કોરોનાને લીધે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હતું. અને આદિવાસી વાલીઓ પાસે સ્માર્ટ મોબાઈલ ફોન ન હોવાથી બાળકો ઓનલાઈન શિક્ષણ પણ મેળવી શક્યાનથી. આદિવાસી બાળકો શાળાએ નહીં આવી શકતાં એકડો બોલવાનું અને લખવાનું પણ ભૂલી ગયા છે. ત્યારે હવે શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ છે. પરંતુ નસવાડી તાલુકાના કેટલાક શિક્ષકો આજે પણ આદિવાસી બાળકોને ભણાવવા પ્રત્યે ગંભીર રહેતા નથી. શિક્ષણ વિભાગની નોટિસને પણ શિક્ષકો ગણકારતા નથી.

નસવાડી તાલુકાની પંખાડા(જી) પ્રાથમિક શાળામા બે શિક્ષકો ફરજ બજાવે છે. શનિવારે શિક્ષકો 9-30 સુધી શાળાએ ન આવતાં ગ્રામજનોએ શાળા પર ઉભા રહી ફોટો લઈ જાગૃત નાગરિકને મોકલ્યા હતા. ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારીને આ ફોટો મોકલતાં ગ્રૂપ આચાર્ય અને સી આર સી શાળાએ પહોચ્યાં હતા અને ગ્રામજનોના નિવેદનો લીધા હતા. શિક્ષકો શાળામાં આવતા નથી, આવે છે તો અનિયમિત હોય છે, ઘણીવાર બાળકોને ઓટલા પર જ બેસાડીને ભણાવાય છે જેવી અનેક રજૂઆત ગ્રામજનોએ કરી હતી. જિલ્લાના અધિકારીઓ કેમ શાળામાં ચેકિંગ કરતા નથી. શિક્ષકોનો કોઈ સમય હોતા નથી તેમ કહી અમે અભણ રહ્યા હવે અમારા બાળકો અભણ રહેશે તેવી ચિંતા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. બે શિક્ષકો હોવા છતાંય બંનેના ફોન પણ શાળાએ પહોંચેલા ગ્રૂપ આચાર્યએ લગાવતાં લાગ્યા ન હતા. ત્યારે નોકરી શિસ્તના નિયમોને પણ હવે નેવે મુકાઈ ગયા છે. જિલ્લાનું તંત્ર આ આદિવાસી બાળકોના શિક્ષણને લઈ ગંભીર બને તે જરૂરી બન્યું છે.(file photo)