Site icon Revoi.in

ભારતમાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે રસીકરણ અભિયાન, 45% સ્વાસ્થ્ય કર્મીઓને અપાઇ રસી

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં માત્ર 18 દિવસની અંદર 45 ટકા જેટલા હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ ગત મહિને 16 જાન્યુઆરીએ થયો હતો. વિશ્વમાં અલગ અલગ દેશોમાં રસીકરણ અભિયાન વચ્ચે ભારતે સૌથી ઝડપી 40,00,000 લોકોને 2 ફેબ્રુઆરી સુધીમાં રસી આપી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતમાં 2,48,662 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે, આ સાથે કુલ આંકડો 43.9 લાખ પર પહોંચી ગયો છે. ભારતમાં ખાનગી અને સરકારી ક્ષેત્રમાં 92,61,227 સ્વાસ્થ્ય કર્મીઓ છે જેમાંથી 47 ટકા કર્મીઓને રસી આપી દેવામાં આવી છે.

ભારતની સરખામણીમાં અમેરિકાને 40 લાખ લોકોને રસી આપતા 20 દિવસનો સમય લાગ્યો હતો, જ્યારે યુકે અને ઈઝરાઈલને 39 દિવસ લાગ્યા હતા.

ભારતના મહત્વના રાજ્યોની વાત કરીએ તો અહીંયા મધ્યપ્રદેશમાં સૌથી વધુ 69.4 ટકા સ્વાસ્થ્ય કર્મીઓને 2 ફેબ્રુઆરી સુધીમાં રસી આપી દેવામાં આવી છે. આ પછી 64.7 ટકા સાથે રાજસ્થાન બીજા ક્રમે છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાન પછી યુપીમાં 18 દિવસમાં 51% સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 9,36,857 સ્વાસ્થ્યકર્મીઓ છે જેમાંથી 34%ને રસી આપવામાં આવી છે. આ પછી તામિલનાડુ (22.6%), દિલ્હી (26.6%), છત્તીસગઢ (29%), પોંડીચેરી (12.3%) અને ગોવા (28.3%)નો નંબર આવે છે, જ્યારે આ સિવાય બાકીના રાજ્યોમાં પ્રક્રિયા ઘણી ધીમી ચાલી રહી છે.

મણીપુરની વાત કરીએ તો ત્યાં સૌથી ધીમી ગતિએ રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે અહીં 2 ફેબ્રુઆરી સુધીમાં માત્ર 10 ટકા સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. લક્ષ્યદ્વીપમાં 90 ટકા સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપી દેવામાં આવી છે. પશ્વિમ બંગાળમાં 41.1 ટકા અને કર્ણાટકમાં 40.9 ટકા સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત ઓડિશા, કેરળ, હરિયાણા તેમજ ગુજરાતમાં કુલ સ્વાસ્થ્ય કર્મીઓમાંથી 50 ટકાને રસી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં આ અઠવાડિયા દરમિયાન સૌથી વધુ સંખ્યામાં સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી છે.

(સંકેત)

Exit mobile version