Site icon Revoi.in

હવે રેલવેના જનરલ ડબ્બામાં પણ મળશે AC, ભારતીય રેલવેની તૈયારી

Social Share

નવી દિલ્હી: ભારતીય રેલવે હવે સામાન્ય મુસાફરોની રેલ યાત્રાને વધુ આરામદાયક બનાવવા માટે યોજના બનાવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં રેલવે એર કંડિશન વાળા જનરલ સેકન્ડ ક્લાસ કોચ શરૂ કરશે. ઇકોનોમી એસી-3 ટાયર કોચ લાવ્યા પછી હવે રેલવે અનરિઝર્વ્ડ બીજા વર્ગના કોચને એર કંડિશન્ડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય રેલવે અનેક પરિવર્તન લાવવાની છે, જેનાથી સામાન્ય માણસની રેલવે મુસાફરીનો અનુભવ ખૂબ જ માણવાલાયક બનશે.

આ નવા એસી જનરલ સેકન્ડ ક્લાસ કોચ કપુરથલા રેલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. રેલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર રવિંદર ગુપ્તાએ કહ્યું છે કે, આ પ્રોજેક્ટ ભારતમા સામાન્ય માણસ માટે રેલ મુસાફરીનો ચહેરો બદલી નાખશે. એર કન્ડિશન્ડ સામાન્ય બીજા વર્ગની મુસાફરી એટલી તો આરામદાયક રહેશે કે જેટલી પહેલા ક્યારેય નહોતી.

હાલના સમયમાં, લગભગ 100 મુસાફરો બીજા વર્ગના જનરલ કોચમાં બેસી શકે છે, જે બનાવવા માટે લગભગ 2.24 કરોડનો ખર્ચ થાય છે. નવા જનરલ સેકન્ડ ક્લાસ કોચમાં પણ વધુ મુસાફરો બેસી શકશે. આમાં મુસાફરો માટે સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ કોચનો ઉપયોગ લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં કરવામાં આવશે, જે કલાકના 130 કિલોમીટરની ઝડપે દોડશે. નોન-એસી કોચ કલાકના 110 કિલોમીટરની ગતિ કરતા વધુ ઝડપથી દોડી શકતા નથી.

ભારતીય રેલ્વે ટ્રેનની ગતિને વધારીને 130 કિલોમીટર પ્રતિ કલાક કરવા જરૂરી ફેરફારો કરી રહી છે. આ અંતર્ગત સ્લીપર અને જનરલ કોચમાં એસી આપવામાં આવશે. તાજેતરમાં, રેલ કોચ ફેક્ટરીએ ઇકોનોમી એસી 3-ટાયર કોચ લોન્ચ કર્યા હતા, જે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનમાં સ્લીપર ક્લાસની જગ્યાએ લગાવવામાં આવી રહ્યા છે. ઇકોનોમી એસી કોચ કલાકના 180 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ભારતીય રેલ્વે 2022 ના અંત સુધીમાં 248 ઇકોનોમી એસી કોચ બનાવશે.

(સંકેત)