Site icon Revoi.in

100 કરોડના વસૂલી કાંડમાં અનિલ દેશમુખની મુશ્કેલી વધી, દેશમુખના અંગત સચિવ-PAની ધરપકડ

Social Share

નવી દિલ્હી: 100 કરોડની વસૂલીના મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ હવે સતત વધી રહી છે. પૈસાની લેણદેણના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશમુખના અંગત સવિચ અને અંગત મદદનીશો સંજીવ પલાંદે અને કુંદન શિંદેની ધરપકડ કરી છે. અગાઉ ઇડીએ અનિલ દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા.

CBIની FIRનો અભ્યાસ કર્યા બાદ EDએ ગત મહિને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દેશમુખ અને કેટલાક અન્ય લોકો સામે ફોજદારી કેસ નોંધ્યો હતો. બોમ્બે હાઇકોર્ટના આદેશ પર કેસ દાખલ કર્યા બાદ CBIએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેના પગલે EDએ કેસ નોંધ્યો હતો.

હાઈકોર્ટે સીબીઆઈને દેશમુખ ઉપર મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘ દ્વારા લગાવવામાં આવેલા લાંચ અંગેના આરોપોની તપાસ કરવા કહ્યું હતું.

અનિલ દેશમુખના પીએસ અને પી.એ.ની ધરપકડ બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટિ્‌વટ કર્યું હતું કે, ‘વસૂલી કેસમાં અનિલ દેશમુખના સેક્રેટરી સંજીવ પલાંદે અને કુંદન શિંદેની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મને ખાતરી છે કે આગામી કેટલાક દિવસોમાં અનિલ દેશમુખની ધરપકડ પણ કરવામાં આવશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના દરોડા બાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું કે તેમણે મારી વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે મારા પરિસરની તપાસ કરી છે. આ દરમિયાન મે ઇડી અધિકારીઓને પૂર્ણ સહયોગ આપ્યો છે. દેશમુખે આશા વ્યક્ત કરી કે સત્ય બહાર આવશે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પણ તપાસ એજન્સીઓને સહયોગ આપવાનું ચાલુ રાખશે.

શુક્રવારે ઇડીની ટીમે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા. ઇડી ટીમે કલાકો સુધી દેશમુખના ઘરમાં શોધખોળ કરી. મની લોન્ડરિંગના કેસમાં આ દરોડો દેશમુખના નાગપુરમાં આવેલા ઘરે થઈ હતી.