Site icon Revoi.in

હવે ICMR ડ્રોનથી વેક્સિનની ડિલીવરી કરી શકશે, ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: ડ્રોનથી વેક્સિન ડિલીવરી માટે ICMRને મંજૂરી મળી ચૂકી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર તેણે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચને આંદામાન તેમજ નિકોબાર ટાપુઓ, મણિપુર અને નાગાલેન્ડમાં ડ્રોનની મદદથી વેક્સિન પહોંચાડવા માટે શરતી પરવાનગી આપી છે. જો કે આ માટે ICMRને 3,000 મીટરની ઉંચાઇ સુધી જ ડ્રોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે બે દિવસ અગાઉ જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેલંગાણામાં મેડિસિન ફ્રોમ ધ સ્કાય પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનનો ઉપયોગ કરીને દવાઓ તેમજ વેક્સિન પહોંચાડવામાં આવશે.

આ સાથે મંત્રાલયે મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ને તેના પોતાના પરિસરમાં સંશોધન, વિકાસ અને પરીક્ષણ હેતુઓ માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પણ શરતી મંજુરી આપી છે.

તે ઉપરાંત બોમ્બે IIT અને ICMR બંનેને ડ્રોન માટે શરતી મંજૂરી અપાઇ છે. તે ઉપરાંત આ પરવાનગી એરસ્પેસ ક્લિયરન્સના નિયમો અને શરતોને આધીન રહેશે અને આ એરસ્પેસ ક્લિયરન્સની મંજૂરીની તારીખથી એક વર્ષ સુધી અથવા આગળના આદેશ સુધી, જે પણ પહેલા હોય ત્યાં સુધી માન્ય રહેશે.

નોંધનીય છે કે, 25 ઑગસ્ટના રોજ મંત્રાલય દ્વારા ડ્રોન નિયમો બનાવાયા છે. મંત્રાલયના નિવેદન અનુસાર ડ્રોન નિયમો, 2021 અનુસાર ઓપરેશન્સમાં સલામતી અને વિકાસ માટે પણ આ ડ્રોનનો વપરાશ સૂચિત કરાયો હતો.