Site icon Revoi.in

હવે ભારતમાં નહીં પડે સેમીકંડક્ટરની અછત, ભારતમાં જ બનશે સેમીકંડક્ટર, સરકારે 76 હજાર કરોડની યોજના કરી મંજૂર

Social Share

નવી દિલ્હી: દેશમાં સેમી કન્ડક્ટરની અછત જોવા મળી રહી છે ત્યારે હવે આત્મનિર્ભર ભારત મિશન હેઠળ ભારતમાં જ સેમીકંડક્ટર બનશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન દેશમાં જ સેમીકંડક્ટર અને ડિસપ્લે બોર્ડના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે PLI યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશમાં જ સેમીકંડક્ટરની ચિપ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ, ટેસ્ટિંગ અને વિકાસ માટેનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે 76 હજાર કરોડના રોકાણને લીલી ઝંડી આપવામાં આવી છે.

આ અંગે જાણકારી આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, સેમીકંડક્ટર માટે PLI યોજના માટે રૂ. 76,000 કરોડનું રોકાણ થશે. આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દેશને એક ઇલેક્ટ્રોનિક હબ તરીકે વિકસિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. માઇક્રોચિપ્સની અછતની પ્રત્યક્ષ અસર ઉદ્યોગો પર પડતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ યોજનામાં આગામી છ વર્ષમાં 76,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. સેમીકંડક્ટર સેક્ટરમાં ભારતની આત્મનિર્ભરતા માટે એક વ્યાપક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. ભારત વિશ્વનો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેક્ચરિંગ દેશ બની ગયો છે.

વેફર, ચિપ, સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ, તેના પેકેજિંગની તેની સમગ્ર ચેન વિકસાવવા માટે કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આજે વિશ્વના 20 ટકા સેમીકંડક્ટર ડિઝાઇનર્સ ભારતના છે. 85 હજાર તાલીમ પામેલા એન્જિનિયર્સ માટે C2S એટલે કે ચિપથી સેમીકંડક્ટર સુધીનું આયોજન કરાશે.