Site icon Revoi.in

જનરલ બિપિન રાવતના નિધન બાદ કોણ બનશે તેમના ઉત્તરાધિકારી? આ નામ પર થઇ ચર્ચા

Social Share

નવી દિલ્હી: બુધવારે તામિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં દેશના CDS જનરલ બિપિન રાવતના નિધન બાદ હવે તેના ઉત્તરાધિકારી તરીકે કોની નિયુક્તિ થશે તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે.

ગઇકાલે પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ કમિટિ ઑફ સિક્યોરિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નવા સીડીએસની નિયુક્તિ અને નવા નામ પર પણ ચર્ચા થઇ હતી. ચીન સાથે એક તરફ તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે લાંબા સમય સુધી આ અગત્યનું પદ ખાલી રાખી શકાય તેમ નથી.

CDS તરીકે આમ તો કોઇ સત્તાવાર નામની ચર્ચા થઇ નથી પરંતુ જે વરિષ્ઠ અને ઉચ્ચ અધિકારીઓના નામની ચર્ચા થઇ રહી છે તેમાં સેના પ્રમુખ એમ એમ નરવણેનું નામ સૌથી ઉપર છે. તેનું એક મહત્વનું કારણ એ છે કે, સેનાની ત્રણે પાંખના વડાઓમાં તે સૌથી વધુ વરિષ્ઠ છે.

નરવણે આગામી વર્ષે એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના છે. સેનાના નિયમો પ્રમાણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર કોઈ પણ સૈન્ય અધિકારી 65 વર્ષની વય સુધી જ સેવા આપી શકે તેમ છે. જ્યારે સેનાની ત્રણે પાંખના વડાઓનો કાર્યકાળ 62 વર્ષ સુધીનો હોય છે.

નોંધનીય છે કે, સેનાની ત્રણે પાંખ વચ્ચે CDS બિપિન રાવતે સંકલનની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી. તે ઉપરાંત લદ્દાખ મોરચે ચીન સાથે ટકરાવ વચ્ચે પણ જનરલ રાવત આ ક્ષેત્રમાં ભારતીય સેનાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા હતા.