Site icon Revoi.in

જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના પર કેન્દ્રએ કહ્યું – રાજ્યો આવી સંસ્થા બનાવે

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશના જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના કરવાની માંગ થઇ રહી છે. જો કે કેન્દ્રએ રાષ્ટ્રીય ફોર્સની રચના કરવાની માગને અવ્યવહારિક જણાવી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, આ પ્રકારની વિશિષ્ટ ફોર્સની રચના રાજ્યોએ પોતાના સ્તર પર કરવી જોઇએ. ઝારખંડમાં એક જજના શંકાસ્પદ મોત પર સંજ્ઞાન લેતા કોર્ટે આ સુનાવણી શરૂ કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને તમામ રાજ્યો પાસે જવાબ માંગ્યો હતો. ચીફ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતા હેઠળની 3 જજની બેન્ચે આજે કહ્યું, અમે રાજ્યોને એ નિર્દેશ આપવા માગતા નથી કે શું કરવું જોઇએ. કેન્દ્ર રાજ્યો સાથે વાતચીત કરે. કેન્દ્ર માટે રજૂ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, જજની સુરક્ષાને લઇને રાજ્યોને એક મોડલ દિશા નિર્દેશ જારી કરાયો છે.

કોર્ટે તેના પર કહ્યું હતું કે, માત્ર માર્ગદર્શિકા જારી કરવી તે સમાધાન નથી. તેના પાલન અંગે કેન્દ્રએ દરેક રાજ્યના મુખ્ય સચિવ તેમજ ડીજીપી પાસેથી જાણકારી પ્રાપ્ત કરવી જોઇએ. સોલિસીટર જનરલે સંમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ કેન્દ્રીય ગૃહ સચિવને આ મુદ્દે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને ડીજીપીની બેઠક બોલાવવાની સલાહ આપશે.

જે બાદ બેન્ચે કહ્યુ કે એક અરજીમાં જજની સુરક્ષા માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અથવા રેલવે પ્રોટેક્શન ફોર્સની જેમ જ રાષ્ટ્રીય સંસ્થા બનાવવાની માગ કરી છે. આને લઈને કેન્દ્રના શુ વિચાર છે? તુષાર મહેતાએ જવાબ આપ્યો કે આ વ્યવહારિક માગ નથી. પોલીસ અને કાયદો-વ્યવસ્થા રાજ્ય યાદીના વિષય છે.