Site icon Revoi.in

આઝાદીના 75 વર્ષના અવસર પર કોંગ્રેસ કરશે વર્ષભર ઉજવણી, સોનિયા ગાંધીએ બનાવી સમિતિ

Social Share

નવી દિલ્હી: આ વર્ષે સમગ્ર દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઇ રહ્યું છે ત્યારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ ઉજવણીની યોજના અને સંકલન માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં 11 સભ્યોની સમિતિની રચના કરી છે. મનમોહન ઉપરાંત આ સમિતિમાં ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી એ.કે.એન્ટોની, પૂર્વ સ્પીકર મીરા કુમાર, અંબિકા સોની, ગુલાબ નબી આઝાદ હશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર પાર્ટીના મહાસચિવ મુકુલ વાસનિક સમિતિના કન્વીનર હશે. સમિતિના સભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા, પક્ષના નેતા પ્રમોદ તિવારી, મુલ્લાપલ્લી રામચંદ્રન, કેઆર રમેશ કુમાર અને સાંસદ પ્રદ્યુત બોરદોલોઇ હશે.

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે દેશની આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી માટે વર્ષભર ઉજવણી કરવાની જાહેરાત કરી છે. ભારત પોતાની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યું છે.

તમામ રાજ્યોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉજવણીનું આયોજન કર્યું છે. દરેક જીલ્લામાં સ્વતંત્ર સેનાની તેમજ શહીદ સન્માન દિવસનું આયોજન કરાશે.

વેણુગોપાલે કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓ અને કાર્યકરોની આગેવાની હેઠળની પાર્ટીએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આગવી ભૂમિકા ભજવી હતી. ‘સત્યાગ્રહ’ થી ‘સોલ્ટ માર્ચ’, ‘અસહકાર આંદોલન’ થી ‘ભારત છોડો આંદોલન’ સુધી, તે શાહી અને વસાહતી બ્રિટિશ શાસન સામે વિશ્વની સૌથી મોટી અને સૌથી લાંબી ‘અહિંસા ચળવળ’ તરફ દોરી અને છેવટે દેશની આઝાદી હાંસલ કરી.