Site icon Revoi.in

હવે એરપોર્ટ પર સામાનની નહીં રહે ચિંતા, મળશે બેગેજ ટ્રાન્સફર સુવિધા

Social Share

નવી દિલ્હી: ઓફિસના કામકાજના હેતુસર ક્યારેક એવું બનતું હોય છે કે હવાઇ મુસાફરી કરનારા લોકોએ એરપોર્ટથી સીધા જ મીટિંગ માટે જવું પડતું હોય છે. તેવા સમયે સાથે જે સામાન હોય છે તે નડતરરૂપ થવા લાગે છે. પરંતુ હવે એરલાઇન્સ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક ખાનગી એરલાઇન્સ કંપનીએ કાર્ટરપોર્ટર નામની એક કંપની સાથે ભાગીદારી કરી છે. આ કંપની એરલાઇન્સ દ્વારા મુસાફરી કરનારા ગ્રાહકોને ડોર-ટુ-ડોર બેગેજ ટ્રાન્સફરની સુવિધા પૂરી પાડશે. કંપનીએ હાલમાં દિલ્હી અને હૈદરાબાદમાં આ સેવાનો પ્રારંભ કર્યો છે અને ટૂંક સમયમાં જ મુંબઇ તેમજ બેંગલુરુમાં પણ આ સેવા શરૂ કરાશે.

શું છે આ સેવા

ઘરેથી એક્સ્ટ્રા બેગેજ લઈને મુસાફરી કરવા ઈચ્છતા કે પછી જેમને એરપોર્ટથી સીધા મીટિંગમાં જવાનું હોય તેમના માટે આ સુવિધા ખૂબ રાહતજનક બની રહેશે. તેમાં મુસાફરોનો સામાન તેમના ઘરેથી જ પિક થઈ જશે જેથી એરપોર્ટ પર ચેક-ઈન કાઉન્ટર અને સુરક્ષા તપાસમાં ઓછો સમય લાગશે. એટલું જ નહીં, મુસાફરો એરપોર્ટથી સીધા પોતાના કામસર જવા ઈચ્છતા હશે તો લગેજ તેઓ ઈચ્છશે તે ડેસ્ટિનેશન પર પહોંચાડી દેવામાં આવશે. આ કારણે મુસાફરોને બેગેજ ડિલિવરી કાઉન્ટર પર પણ રાહ નહીં જોવી પડે.

(સંકેત)