Site icon Revoi.in

દેવાગ્રસ્ત એર ઇન્ડિયાને બચાવવા તેના જ કર્મચારીઓ આગળ આવ્યા, એરલાઇન્સમાં ખરીદી શકે ભાગ

Social Share

નવી દિલ્હી: 69 હજાર કરોડ રૂપિયાથી વધુના દેવામાં ડૂબેલી સરકારી ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાને તારવા માટે તારણહાર મળી જવાની આશા જાગી છે. અહીંયા રસપ્રદ વાત એ છે કે દેવામાં ડૂબેલી કંપનીને ખરીદવા માટે કંપનીના જ વરિષ્ઠ કર્મચારીઓનું એક ગ્રૂપ આગળ આવ્યું છે. આ કર્મચારીઓ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સાથે સરકારી બોલીમાં હિસ્સો લેવાની તૈયારી કરી રહ્યા છે.

આ અંગે વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે દિવાળી પછી એર ઇન્ડિયાના હેડ ક્વાર્ટરમાં 4-5 સાથી બેઠેલા હતા. આ બધા જ કર્મચારીઓ એર ઇન્ડિયામાં 30-32 વર્ષથી નોકરી કરી રહ્યા છે. આ દરમિયાન આ કર્મચારીઓને કંપનીના આર્થિક ભાવિ અંગે ચિંતા થવા લાગી અને તેઓ પોતાના જોઇનિંગના દિવસો યાદ કરીને ભાવુક થવા લાગ્યા. ત્યારે એક અધિકારીએ કહ્યું કે, જે એરલાઇન્સમાં આખું જીવન વ્યતિત થઇ ગયું, કદાચ આપણે તેને ખરીદી શક્યા હોત. તો એક અધિકારીએ કહ્યું કે, ખરીદવા માટે જંગી રકમ લાવશું ક્યાંથી? ત્યારે વિચાર આવ્યો કે કોઇ ફાઇનાન્સર શોધી કર્મચારીઓ  જ ભાગીદારીથી કેમ ન ખરીદી શકે? આ વિચાર પર બધાએ મંથન કર્યું અને ગંભીર થયા.

આ બાદ વિચારને વાસ્તવિક બનાવવાની યોજના ઘડી અને ફાઇનાન્સર શોધવાની શરૂઆત કરી. એક પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ અમારા પ્રસ્તાવ અંગે તૈયાર થઇ ગઇ. એ પછી એર ઇન્ડિયાના એ અધિકારી અને કર્મચારીઓની પસંદગી કરાઇ, જેમની નોકરીએ 30 થી 32 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે. એની પાછળનો તર્ક એ હતો કે જૂના કર્મચારીઓનું કંપની સાથે ભાવનાત્મક જોડાણ રહેશે. આ અભિયાનમાં 200થી વધુ કર્મચારીઓ જોડાઇ ચૂક્યા છે.  હાલ 1-1 લાખ રૂપિયા એકત્ર કરાઇ રહ્યા છે.

નોંધનીય છે કે કંપનીમાં હજુ પણ સંભાવનાઓ રહેલી છે. જો બધુ યોગ્ય રીતે પાર પડશે તો કંપની આગામી 2 વર્ષના સમયગાળામાં ફરીથી ટ્રેક પર આવી શકે છે.

(સંકેત)