Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટે આંદોલનને લઇને ચિંતા વ્યક્ત કરી, કેન્દ્રને પૂછ્યો આ વેધક સવાલ

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદા વિરુદ્વ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો તેમજ અન્ય લોકો દ્વારા કોરોનાની ગાઇડલાઇનના થતા ઉલ્લંઘનને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. આપને જણાવી દઇએ કે છેલ્લા 42 દિવસથી ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્વ આંદોલન કરી રહ્યા છે અને નવા કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને વેધક સવાલ કર્યો છે કે શું પ્રદર્શન સમયે કોરોનાના નિયમોનું પાલન થઇ રહ્યું છે? ત્યારબાદ કેન્દ્ર સરકારના વકીલે જવાબ આપ્યો હતો. જેના પર મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડેએ કહ્યું હતું કે જો કોરોનાના નિયમોનું પાલન ના કરવામાં આવ્યું તો નવી દિલ્હીમાં ગત વર્ષ તબલિગી જમાત જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

નોંધનીય છે કે, ગત વર્ષે જ્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે તબલિગી જમાતનો કેસ સામે આવ્યો હતો. ગત વર્ષે માર્ચ મહિનામાં નવી દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં સેંકડો લોકો સામેલ થયા હતા અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં જતા રહ્યા હતા. મરકઝમાં સામેલ થયેલા અનેક લોકો કોરોના સંક્રમિત હતા અને તેના કારણે જ સંક્રમણ વધુ ફેલાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો અને તેઓ પર નિયમ તોડવાનો આરોપ પણ લાગ્યો હતો.

(સંકેત)