Site icon Revoi.in

વોટ્સએપે કોર્ટમાં કેસ કર્યા બાદ કેન્દ્રનો વોટ્સએપને જવાબ – યૂઝર્સની ગોપનીયતાનો ઉલ્લંઘન કરવાનો અમારો કોઇ જ ઇરાદો નથી

Social Share

નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વ હેઠળની મેસેજિંગ એપ વોટ્સએપ ભારત સરકારના નવા નિયમોને લઇને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

કેન્દ્ર સરકારના નવા નિયમો અનુસાર વોટ્સએપે મેસેજિંગ એપ પર મોકલવામાં આવેલે મેસેજના ઓરિજીન અંગે જાણકારી રાખવી પડશે. આ નિયમ વિરુદ્વ કંપનીએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે કે, તેનાથી યૂઝર્સની ગોપનીયતાનું ઉલ્લંઘન થાય છે.

કંપનીના આ નિવેદન પર કેન્દ્ર સરકારે રોકડું પરખાવ્યુ હતું કે, ગોપનીયતાના અધિકાર માટે સન્માન કરીએ છીએ પરંતુ ગંભીર મામલાઓમાં જાણકારી આપવી પડશે.

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, એક તરફ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે આવી પ્રાઇવસી પોલિસી માટે મથી રહ્યું છે, જેના હેઠળ તેમની અંગત જાણકારી પોતાની પેરેન્ટ કંપની ફેસબૂકની સાથે શેર કરી શકે. તો બીજી તરફ કાયદાકીય વ્યવસ્થાને યથાવત્ રાખવા અને ફેક ન્યૂઝ પર અંકુશ લગાવવા માટે લાવવામાં આવેલ ભારત સરકારની ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સને લાગૂ કરવા આનાકાની કરી રહી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે, અમારો યૂઝર્સની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો કોઇ જ ઇરાદો નથી.

ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટ્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, WhatsAppએ કોઇપણ મેસેજના ઓરિજિનની વિગત ત્યારે જ આપવી પડશે જ્યારે મહિલાઓ વિરૂદ્ધના અપરાધ જેવા ગંભીર મામલાઓને અટકાવવા, તપાસ અથવા સજા આપવા માટે જરૂર પડશે. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ભારતમાં કોઇપણ પ્રકારના ઓપરેશન અહીંના કાયદા પ્રમાણે જ ચાલશે.