Site icon Revoi.in

“શ્રી રામ હિંદુઓના હૃદયની નજીક છે”: મદ્રાસ હાઇકોર્ટે અયોધ્યા રામ મંદિર માટે રેલીના આયોજનને છૂટ આપવા પોલિસને કર્યો આદેશ

Social Share

મદુરાઇ: પ્રવર્તમાન સમયમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન બેનર હેઠળ એક જાગૃતિ અભિયાનના આયોજનની મંજૂરી આપી દીધી છે.

પોતાના આદેશમાં ન્યાયાધીશ આર.હેમલતાએ અરજદાર એન.સેલ્વાકુમારની અરજીને ધ્યાનમાં રાખીને મદુરાઇ શહેરના પોલિસ કમિશનરને આ જાગૃતિ અભિયાન માટે છૂટ આપવાનો આદેશ આપવા દિશા-નિર્દેશ કર્યા છે. અરજદાર એન. સેલવાકુમાર રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનના જીલ્લા ઇનચાર્જ છે.

રામ મંદિરના નિર્માણ કાર્ય માટે નિધિ એકત્ર કરવા હેતુસર અરજદારે મદુરાઇ શહેરના આસિસ્ટન્ટ પોલિસ કમિશનરને જાગૃતિ અભિયાન માટે રેલીના આયોજન માટે પરવાનગી માગી હતી. જો કે કમિશનરે કોરોના સ્થિતિ તેમજ કાનૂન અને વ્યવસ્થાનો હવાલો આપીને માંગણી ફગાવી દીધી હતી. ઓથોરિટીએ રેલી માટેની અપીલ ફગાવી દીધી હતી તેમજ કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચે તેને લઇને પણ કોઇ સ્પષ્ટતા કરી નહોતી. અરજદારે કમિશનર સમક્ષ એ પણ રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા નિધિ સમર્પણ અભિયાન માટે રેલી યોજવા માટે અનેક રાજકીય તેમજ સામાજીક સંસ્થાઓને છૂટ આપવામાં આવી છે. આ રજૂઆત છતાં, વહીવટીતંત્રએ તેની રજૂઆત પર ધ્યાન ના આપતા રેલી માટે પરવાનગી આપી નહોતી.

અરજદારે એવું પણ કહ્યું હતું કે અભિયાન અંતર્ગત જે વાહનોનો ઉપયોગ કરવાનો હતો તેને પણ પોલિસ ઓથોરિટીએ જપ્ત કરી લીધા હતા. એસીપીએ કોર્ટ સમક્ષ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે અરજદાર દ્વારા જે જગ્યાએ રેલી માટે પરવાનગી માંગવામાં આવી છે તે વિસ્તાર તેમની સત્તા હેઠળ નથી. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, કે આ પ્રકારની મંજૂરી આપવાની પરવાનગી ના હોય તે શક્ય નથી. અને જો તે સત્તા હેઠળ ના આવતું હોય તો પોલિસ કમિશનરને અરજી ફોરવર્ડ કરીને પરવાનગી માંગી શકાય છે નહીં કે અરજીને ફગાવી દેવામાં આવે.

નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત કોર્ટે નોંધપાત્ર નોંધ લેતા કહ્યું હતું કે, “ શ્રી રામ હિંદુઓની ધાર્મિક ભાવનાઓના હૃદયથી ખૂબ જ નજીક છે અને જ્યારે મૂવી થીયેટર, મોલ્સ અને અન્ય જાહેર જગ્યાઓએ લોકોને કોવિડ-19ની ગાઇડલાઇન્સ સાથે જવાની પરવાનગી આપવામાં આવી રહી છે ત્યારે રેલીનું આયોજન શક્ય ના થઇ શકે તે બાબત જરા પણ તર્કસંગત નથી.

કોર્ટે આસિસ્ટન્ટ પોલિસ કમિશનર દ્વારા અપાયેલા આદેશ પર સવાલ કર્યા હતા કે આ પ્રકારની રેલી કે અભિયાનથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તેવું કઇ રીતે શક્ય છે. ઓથોરિટીએ વાહનોની હિલચાલ પર કેટલાક પ્રતિબંધો બાદ આ રેલીના આયોજન માટે પરવાનગી આપવાની જરૂર હતી. અંતે કોર્ટે રેલીના આયોજનને લઇને જરૂરી આદેશો આપ્યા હતા.

(સંકેત)