Site icon Revoi.in

શીખવાની કોઇ ઉંમર નથી હોતી, 80 વર્ષની ઉંમરે શશિકલા રાવલે સંસ્કૃત વિષયમાં કર્યું પીએચડી

Social Share

ઉજ્જૈન: એવું કહેવાય છે કે ભણવાની તેમજ શીખવાની કોઇ ચોક્કસ ઉંમર નથી હોતી કે નથી હોતું કોઇ બંધન. મનુષ્ય જીવન પર્યત કંઇકને કઇ શીખતો જ રહે છે અને નવું નવું આત્મસાત કરતો જ રહે છે અને આ જ વાતને ઉજ્જૈનના નાગરિક શશિકલા રાવલે સાર્થક કરી બતાવી છે. ઉજ્જૈનના રહેવાસી શશિકલા રાવલે, 80 વર્ષની ઉંમરે સંસ્કૃતમાં પીએચડીની પદવી હાંસલ કરી છે. તેઓએ શિક્ષણ વિભાગમાં લેક્ચરરના પદ પરથી સેવાનિવૃત્ત થયા બાદ આ ડિગ્રી હાંસલ કરી છે. સેવા નિવૃત્ત થયા બાદ તેમણે વર્ષ 2009 થી 2011 વચ્ચે જ્યોતિષ વિજ્ઞાનમાં એમએ કર્યું અને ત્યારબાદ તેઓએ સતત અધ્યયન કરીને સંસ્કૃત વિષયમાં વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ ‘વૃહત સંહિતા’ પર પીએચડી કરવાનું વિચાર્યું. તેઓએ સખત મહેનત અને લગનના બળે વર્ષ 2019માં પીએચડીની ડિગ્રી હાંસલ કરી.

તેઓએ પાણિની યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. મિથિલા પ્રસાદ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ‘વૃહત સંહિતાના દર્પણમાં સામાજીક જીવનનું બિંબ’ વિષય પર ડોક્ટર ઑફ ફિલોસોફીની ડિગ્રી હાંસલ કરી. 80 વર્ષીય મહિલાને ડિગ્રી પ્રદાન કરવા સમયે રાજ્યપાલ આનંદીબેન પટેલને ખૂબજ નવાઇ લાગી અને તેઓએ મહિલાના જુસ્સા અને ખંતની પ્રશંસા કરી.

તેઓએ ડિગ્રી હાંસલ કરવા અંગે કહ્યું હતું કે તેઓને હંમેશા જ્યોતિષ વિજ્ઞાનમાં રૂચી રહેતી હતી અને એટલે જ વિક્રમ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા જ્યોતિર્વિજ્ઞાન વિષય સાથે M.A.માં પ્રવેશ કર્યો. ત્યારબાદ વધુ ભણવાની ઇચ્છા થઇ તો વરાહમિહિરની વૃહત સંહિતા વાંચી અને ત્યારબાદ તેના પર જ પીએચડી કરવાનો વિચાર આવ્યો.

તેમણે કહ્યું કે “જ્યોતિષ ભણવાથી તેઓના ચિંતનને એક અલગ દિશા પ્રાપ્ત થઇ છે. જ્યોતિષનું જીવનમાં એ રીતે મહત્વ છે જે રીતે આપણે નક્શાના સહારે આપણી મંઝિલ સુધી પહોંચીએ છીએ. જ્યોતિષના માધ્યમથી મળનારા સંકેતોથી આપણે દરેક પડાકરોનો પૂર્વતૈયારી સાથે સામનો કરી શકીએ છીએ. જીવનમાં આગળ ક્યાં ક્યાં પડકારો અને સંકટ આવશે તેનું અગાઉથી આકલન કરી લેવામાં આવે તો જીવન વ્યતિત કરવું વધુ સરળ અને સહેલું બની જાય છે.”

તેઓનું માનવું છે કે, અંધવિશ્વાસ કરવાની જગ્યાએ જ્યોતિષીય ગણનાના માધ્યમથી મળનારા સંકેતોને સમજવા જોઇએ. તેઓ ફળાદેશ અને લોકપ્રિય કાર્યોના સ્થાન પર જીવનમાં મૂળભૂત ફેરફારો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.

(સંકેત)