Site icon Revoi.in

સિદ્વિ: નેપાળના પર્વતારોહકે માત્ર 4 દિવસમાં 2 વાર માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યો, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Social Share

નવી દિલ્હી: વિશ્વના સૌથી ઊંર્ચા પર્વતમાંથી એક મનાતા માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ ખૂબ જ કપરું અને પડકારજનક કામ છે ત્યારે નેપાળના 43 વર્ષીય પર્વતારોહક મિંગ્મા તેનજી શેરપાએ ટૂંકા ગાળામાં બે વાર માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કરીને વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. પૂર્વ નેપાળના શંખુવાસભા જીલ્લાના શેરપા પ્રથમવાર 7મેની સાંજે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું અને ત્યારબાદ 11મેની સવારે બીજી વાર વિશ્વના સૌથી ઉંચા પર્વત પર પહોંચ્યા.

સેવન સમિટ ટ્રેક્સના પ્રમુખ મિંગ્મા શેરપાએ કહ્યું હતું કે, શેરપાએ માત્ર ચાર દિવસમાં જ બે વાર એવરેસ્ટ શિખર સર કર્યું છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ અગાઉ વર્ષ 2017માં ભારતીય પર્વતારોહક અંશુ જામસેનપાએ 118 કલાક અને 15 મિનિટમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

થોડા દિવસ પહેલા એવા સમાચાર હતા કે ચીન માઉન્ટ એવરેસ્ટ પર સરહદની રેખાંકન કરશે, જેથી નેપાળથી આવતા પર્વતારોહકોને તેમના ક્ષેત્રમાં આવતા રોકી શકાય. ચીને કોરોના વાયરસની મહામારીને તે માટેનું કારણ ગણાવ્યું હતું.

આ કાર્ય માટે તિબેટીયન પર્વતારોહીયોનું એક ગ્રુપ બનાવવામાં આવશે. સત્તાવાર સંવાદ એજન્સી, સિન્હુઆએ જણાવ્યું હતું કે, પર્વતોની ટોચ પર પહોંચતા પહેલા ચીનથી એક લાઇન બનાવવામાં આવશે. જો કે, હજી સુધી તે અસ્પષ્ટ છે કે ચીન દ્વારા આ લાઈન શેનાથી બનાવવામાં આવશે. ઉત્તરમાં ચીન બાજુથી પર્વત પર ચડતા પર્વતારોહકોને આ વિભાજનક રેખાને પાર કરતા અટકાવવામાં આવશે જેથી તેઓ દક્ષિણ તરફથી ચડતા કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુના સંપર્કમાં ના આવે.

બીજી તરફ નેપાળ સરકારે ચીનના આ પગલાને લઇને કોઇ ત્વરિત પ્રતિક્રિયા આપી નથી. ગત વર્ષે કોરોના મહામારીને કારણે નેપાળ અને ચીને માઉન્ટ એવરેસ્ટ પર ચડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે આ વર્ષે પર્યટન ઉદ્યોગને વેગ આપવા માટે નેપાળએ પર્વત ચઢાણ માટે અનુમતિ આપી હતી.

(સંકેત)