Site icon Revoi.in

સરકારના સબ સલામતના દાવા વચ્ચે CEAનો ચોંકાવનારો રિપોર્ટ, દેશના 18 પાવર પ્લાન્ટ્સ કોલસા વગર ખાલીખમ

Social Share

નવી દિલ્હી: એક તરફ દેશમાં વીજસંકટના ભણકારા વચ્ચે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના પાવર પ્લાન્ટ્સ અંગેના આંકડા કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે. CEAના રિપોર્ટ અનુસાર દેશના 116 પાવર પ્લાન્ટ્સ કોલસાની તંગી સામે ઝઝૂમી રહ્યા છે. દેશના 18 પાવર પ્લાન્ટ્સમાં એક પણ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો નથી. જ્યારે 26 પાવર પ્લાન્ટ્સમાં ફક્ત એક જ દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે.

વીજ કટોકટી સર્જવાના એંધાણ જોવા મળી રહ્યા છે જેનું કારણ એ પણ છે કે 17 પાવર પ્લાન્ટ્સમાં માત્ર 2 દિવસનો જ કોલસાનો સ્ટોક છે. 18 પાવર પ્લાન્ટ્સમાં 3 દિવસ અને 19 પ્લાન્ટ્સમાં 4 દિવસનો સ્ટોક બચ્યો છે. જ્યારે 7 પાવર પ્લાન્ટ્સમાં 6 દિવસનો કોલસાનો સ્ટોક છે. જ્યારે ફક્ત એક પાવર પ્લાન્ટમાં 7 દિવસનો કોલસાનો સ્ટોક છે.

રાજ્યવાર સ્થિતિ જોઇએ તો ઉત્તર ભારતમાં તમામ પાવર પ્લાન્ટ્સ એટલે કે 33 પાવર પ્લાન્ટ્સ કોલસાની તંગી સામે ઝઝુમી રહ્યા છે. 10 પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો એક દિવસનો પણ સ્ટોક નથી. 6 પ્લાન્ટમાં એક દિવસ પૂરતો જ કોલસો છે. 4માં 2 દિવસનો, 5 પ્લાન્ટમાં 3 દિવસનો કોલસો, 2 પ્લાન્ટમાં 4 દિવસ ચાલે એટલો કોલસાનો સ્ટોક છે અને 3 પ્લાન્ટમાં 5 દિવસનો કોલસાનો સ્ટોક છે.

યુપીમાં પણ 19 પાવર પ્લાન્ટ્સમાંથી 3 સંપૂર્ણપણે ખાલી થઇ ગયા છે જ્યારે 7માં એક દિવસ પૂરતો જ સ્ટોક, 3માં 2 દિવસ પૂરતો સ્ટોક છે, 2 પ્લાન્ટમાં 4 દિવસ પૂરતો કોલસો છે. એક પ્લાન્ટમાં 7 દિવસ અને એક પ્લાન્ટમાં 8 દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો છે.

– હરિયાણામાં બનેલા 5 પાવર પ્લાન્ટમાંથી 3 પ્લાન્ટમાં એક દિવસ પૂરતો પણ સ્ટોક નથી. એક પાવર પ્લાન્ટમાં એક દિવસ ચાલે એટલો જ કોલસો છે જ્યારે એક પ્લાન્ટમાં 3 દિવસ પૂરતો જ કોલસાનો સ્ટોક છે.

પંજાબની વાત કરીએ તો અહીંયા પણ સ્થિતિ તંગ છે. અહીંયા 5 પાવર પ્લાન્ટ્સમાંથી એક પ્લાન્ટમાં એક દિવસ પૂરતો જ સ્ટોક છે. એક પાવર પ્લાન્ટમાં 2 દિવસનો, એકમાં 3 દિવસ, એક પ્લાન્ટમાં 4 દિવસ અને એક પ્લાન્ટમાં 6 દિવસ પૂરતો કોલસો છે.

નોંધનીય છે કે, દેશમાં અંધારપટના એંધાણ વચ્ચે સરકાર દેશમાં પર્યાપ્ત કોલસાનો સ્ટોક હોવાનું કહી રહી છે પરંતુ દેશના અનેક પાવર પ્લાન્ટ્સમાં કોલસાની ખૂબ જ તંગી જોવા મળી રહી છે.