Site icon Revoi.in

ગાઢ ધૂમ્મસના પગલે વિઝિબિલિટી ઘટતા એક્સપ્રેસ વે પર 20 વાહનો અથડાયાં

Social Share

નવી દિલ્હી: નવા વર્ષના પ્રથમ દિવસે જ નવી દિલ્હી એનસીઆર અને પશ્વિમ ઉત્તર પ્રદેશમાં સવારથી ગાઢ ધૂમ્મસ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલીટ લગભગ શૂન્ય થઇ ગઇ હતી.

ગાઢ ધૂમ્મસના કારણે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર આજે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. સામાન્યપણે એક્સપ્રેસ વે પર વાહનોની સ્પીડ અન્ય સડકો કરતાં વધુ હોય છે. વાહનોની સ્પીડ ઓછી હોય તો પણ વિઝિબિલિટી ઓછી હોવાથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે.

આજે સવારે આવો જ એક કિસ્સો બન્યો હતો. પ્રથમદર્શી અહેવાલ અનુસાર ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક સાથે 20 વાહનો એકબીજાની સાથે અથડાયાં હતાં. આવી અથડામણમાં પોલીસની કારનો પણ સમાવેશ થયો હતો. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી જાનહાનિની સમાચાર મળ્યા નહોતા પરંતુ ઘણા લોકોને ઇજા થઇ હતી. આ દરેકને બાગપત જીલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.

આ અથડામણ પછી એક્સપ્રેસ વે પર હજારો વાહનોનો ટ્રાફિક જામ ન થઇ જાય એ માટે તરત જિલ્લા વહીવટી તંત્રે વધારાની ટ્રાફિક પોલીસની કુમક મોકલાવી હતી. સવારે સાડા અગિયાર વાગ્યે પણ વિઝિબિલિટી પૂરેપૂરી સ્પષ્ટ થઇ નહોતી. એક્સપ્રેસ વે ખાલી કરાવવાની કવાયત ચાલુ હતી. રાહત ટુકડી ત્યાં પહોંચી ગઇ હતી.

મહત્વનું છે કે દર વર્ષે શિયાળામાં અહીંયા એકાદ બે આ પ્રકારના અકસ્માત થતા રહે છે. જીવલેણ ઠંડી અને ધૂમ્મસના પગલે આવું થયા કરે છે. જીલ્લા વહીવટી તંત્ર આના ઉપાય માટે વિદેશોમાં કઇ રીતે ધૂમ્મસનો સામનો કરવામાં આવે છે તેની પૂછપરછ કરી રહ્યું છે.

(સંકેત)