Site icon Revoi.in

કોરોના વેક્સિનેશન અભિયાન: 2.24 લાખ લોકોને વેક્સિન અપાઇ, માત્ર 447ને આડઅસર

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં શનિવારથી કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે અને બીજા દિવસના અંત સુધીમાં કુલ 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવી છે. કુલ 2.24 લાખ લોકોમાંથી માત્ર 447 લોકોને જ આડઅસર જોવા મળી હતી તેવું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

આ અંગે મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મનોહર અગનાનીએ જણાવ્યું હતું કે ઇમ્યુનાઇઝેશન બાદ 447 લોકોને આડઅસર જોવા મળી હતી અને તેમાંથી ફક્ત ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. તેમણે કહ્યું હતું કે, રવિવારે ફક્ત 6 રાજ્યોમાં કોરોનાની રસી આપવામાં આવી હતી અને 554 સેશનમાં કુલ 17,072 લોકોએ વેક્સિન લીધી હતી.

રવિવારે જે છ રાજ્યોમાં કોરોનાની રસી આપવામાં આવી હતી તેમાં આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મણીપુર અને તામિલનાડુનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, પ્રોવિશનલ રિપોર્ટ પ્રમાણે 17 જાન્યુઆરી સુધીમાં કુલ 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે તેમાંથી 2,07,229 લોકોએ પ્રથમ દિવસે વેક્સિન લીધી હતી. 16 અને 17 જાન્યુઆરીએ કુલ 447 લોકોને આડઅસર જોવા મળી હતી અને તેમાંથી ત્રણ લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. આડઅસરમાં તાવ તથા માથાના દુખાવા જેવી સામાન્ય આડઅસર જોવા મળી હતી.

નોંધનીય છે કે તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે બેઠક યોજાઇ હતી અને તેમાં રસીકરણને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. ભારતમાં બે રસીને મંજૂરી આપવામાં આવી છે જેમાં ભારત બાયોટેકની કોવેક્સિન તેમજ ઑક્સફોર્ડની કોવિશિલ્ડનો સમાવેશ થાય છે. કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરાઇ રહ્યું છે.

(સંકેત)