Site icon Revoi.in

ઇઝરાયલ દૂતાવાસ પાસેના બ્લાસ્ટ પાછળ હોઇ શકે મોટું કાવતરું, દિલ્હી પોલીસે કર્યો ખુલાસો

Social Share

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલન વચ્ચે ગુરુવારે ઇઝરાયલ દૂતાવાસ પાસે IED બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને લઇને દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે ઇઝરાયલ દૂતાવાસ પાસે થયેલો ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ કોઇ મોટા કાવતરાનું ટ્રાયલ હોઇ શકે છે. જો કે આ બ્લાસ્ટથી કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ આપણે સાવધાન રહેવાની આવશ્યકતા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટ બાદ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસ કોઇપણ કાવતરાને નિષ્ફળ કરવા માટે દરેક ખૂણે વોચ રાખી રહી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ઇઝરાયલ દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે આ બ્લાસ્ટ તણાવ ઉભો કરવા માટે કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ ઇઝરાયલી દૂતાવાસ આસપાસ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ઇઝરાયલના દૂતાવાસ પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગૃહમંત્રી અમિત શાહે હાઇ લેવલ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ગૃહમંત્રી સાથે ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ જોડાયા હતા. મીટિંગમાં ગુપ્તચર એજન્સીઓને દિલ્હી પોલીસની મદદ કરવાનો નિર્દેશ અપાયો છે.

સૂત્રોનુસાર દિલ્હી પોલીસને ઝડપી ગતિએ આ કેસની તપાસ પૂરી કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં ખેડૂત આંદોલન, ગણતંત્ર દિવસ પર હિંસા અને આ બ્લાસ્ટ બાદ ગૃહ મંત્રી અમિત શાહે બંગાળ પ્રવાસ રદ કર્યો છે.

(સંકેત)