Site icon Revoi.in

ચીન-પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે આ વખતે રક્ષા બજેટમાં થઇ શકે વધારો

Social Share

નવી દિલ્હી: ભારત હાલમાં ચીન અને પાકિસ્તાન એમ બેવડા પડકારોનું સામનો કરી રહ્યું છે. આ સ્થિતિને જોતા સશસ્ત્ર બળના આધુનિકીકરણ તેમજ સામાનની ખરીદીની અનેક યોજનાઓ લાગુ કરવાની આવશ્યકતા છે. જેને જોતા નિષ્ણાતો અનુમાન કરી રહ્યા છે કે આ વખતે રક્ષા બજેટમાં ભારે વધારો થઇ શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારે ગત વર્ષે દેશનું રક્ષા બજેટ 6 ટકા વધાર્યું હતું. ગત વર્ષે કુલ બજેટનો અંદાજે 15 ટકા હિસ્સો ડિફેન્સ ક્ષેત્રને મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર સેના માટે આગામી પાંચ વર્ષ દરમિયાન આધુનિકીકરણની યોજના લાગુ કરવી જરૂરી છે. સરકારનું જોર હથિયારો તેમજ સામાનના સ્વદેશી સ્તરે રિસર્ચ, વિકાસ અને ખરીદી પર હોઇ શકે છે. તે ઉપરાંત આગામી 2 વર્ષમાં મોટા પાયે સૈન્ય સામાનની ખરીદી કરવાની છે. રક્ષા મંત્રાલય દ્વારા સીમાવર્તી બુનિયાદી માળખાના વિકાસ જેવા રસ્તાઓ અને પુલના નિર્માણ માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે.

રક્ષા મંત્રાલયે આ વર્ષે નાણાંકીય મંત્રાલય પાસે વધારાની ફંડની માગણી કરી છે. ચીન અને પાકિસ્તાન સરહદ પર સ્થિતિ જોતાં સશસ્ત્ર દળ માટે અનેક આધુનિકીકરણ પ્રોજેક્ટને તાત્કાલિક લાગુ કરવાની જરૂરિયાત છે. રક્ષા ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચીને લદાખ, ઉત્તરાખંડ, સિક્કિમ અને ડોકલામ બોર્ડર પર પોતાના સૈનિકોની તહેનાતી વધારવામાં આવી છે. જેના કારણે સેનાને વધારે મજબૂત કરવાની જરૂર છે.

નોંધનીય છે કે ગત વર્ષે ડિફેન્સ બજેટ 4,71,000 કરોડ રૂપિયાનુ હતું. પરંતુ તેમાં 1,33,825 કરોડ રૂપિયા તો સૈન્ય દળના પેન્શન માટે હતા. પેન્શનમાં વધારો અનેક વર્ષની માગણી પેન્ડિંગ છે. 15મા નાણાકીય પંચે સેનાને પૂરતું ફંડ આપવા માટે અનેક ભલામણો કરી છે.

(સંકેત)