Site icon Revoi.in

સંરક્ષણ ક્ષેત્રે ટેકનિકલ સહાય આપતી ખાનગી કંપની સાઇબર એટેકનો ભોગ બની, કંપનીના ડેટા લીક

Social Share

નોઇડા: દેશની વધુ એક કંપની સાઇબર એટેકનો ભોગ બની છે. સંરક્ષણ ક્ષેત્રની એજન્સીઓને ટેકનિકલ સહાય પૂરી પાડતી નોઇડાની ખાનગી કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કંપની સાઇબર એટેકનો ભોગ બનતા તેનાથી કંપનીને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

નોઇડામાં હેડક્વાર્ટર ધરાવતી ઇલકોમ ઇનોવેશન્સ નામની કંપની હેકિંગનો ભોગ બની છે. આ કંપની સૈન્યદળોને ટેકનિકલ સહાય આપે છે. એ ઉપરાંત ગુપ્તચર એજન્સીઓને પણ ટેક્નોલોજીની સર્વિસ પૂરી પાડે છે.

કંપનીએ હેકિંગનો ભોગ બન્યાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે. કંપનીના અધિકારીઓએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે હેકિંગના કારણે કંપનીને 50 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. ફાઇનાન્શિયલ ઉપરાંત કંપનીની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું છે, પરંતુ ડિફેન્સ ક્ષેત્રનો સંવેદનશીલ ડેટા પણ લીક થયો હોવાની શક્યતા છે.

પોલીસના સાઇબર સેલ વિભાગે આ ફરિયાદના આધારે આગળની તપાસ આદરી છે. પોલીસે કંપનીના અંદરના લોકોની પૂછપરછ કરી છે. પોલીસ અધિકારીઓએ શંકા વ્યક્ત કરી હતી કે આ હેકિંગમાં અંદરના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાની આશંકા છે. કારણ કે કંપનીના આંતરિક એક્સેસ વગર આ હેકિંગ કોઇ દ્રષ્ટિએ શક્ય જણાતું નથી.

નોંધનીય છે કે તે ઉપરાંત હેકિંગ દેશ કે દેશની બહારથી થયું છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જો સંવેદનશીલ ડેટા હેક થયો હશે તો એમાં કેવા પ્રકારના ડેટાનો સમાવેશ થાય છે તે અંગે પણ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

(સંકેત)

Exit mobile version