Site icon Revoi.in

CRPF-DRDOએ સંયુક્તપણે બાઇક એમ્બ્યુલન્સ બનાવી, દુર્ગમ વિસ્તારોમાં ઉપયોગી નિવડશે

Social Share

નવી દિલ્હી: દેશના દૂરના અંતરિયાળા વિસ્તારોમાં જ્યાં એમ્બ્યુલન્સ નથી જઇ શકતી તેના માટે કેન્દ્રીય અનામત પોલીસ દળ તેમજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને સહિયારા પ્રયાસોથી બાઇક એમ્બ્યુલન્સ બનાવી છે. આવતીકાલે પાટનગર નવી દિલ્હીમાં આ બાઇક એમ્બ્યુલન્સ લોંચ કરાશે.

આ બાઇક એમ્બ્યુલન્સ ખાસ કરીને દૂરના અંતરિયાળ વિસ્તારોમાં તેમજ ખાસ તો નક્સલી વિસ્તારોમાં ખૂબ જ ઉપયોગી નિવડશે. દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને ઇમર્જન્સી તબીબી સહાય જોઇતી હોય ત્યારે સહેલાઇથી મળી શકતી નથી. નક્સલી વિસ્તારોમાં ફરજ બજાવતા સિક્યોરિટી દળોની નક્સલવાદીઓ સાથે અથડામણ થાય ત્યારે પણ સિક્યોરિટી જવાનને ઇમર્જન્સી સારવાર મેળવવામાં તકલીફ પડતી હતી. હવે પહાડી તેમજ દુર્ગમ વિસ્તારોમાં પણ બાઇક એમ્બ્યુલન્સ ઉપયોગી રહેશે.

CRPF અને DRDO ઉપરાંત આ કામમાં ઇન્સ્ટીટ્યુટ ઑફ ન્યૂક્લીઅર મેડિસીન એન્ડ એલાઇડ સાયન્સીઝ દ્વારા આ કાર્યમાં મહત્ત્વનું પ્રદાન કરવામાં આવ્યુ હતું.

આ અંગે CRPFના એક પ્રવક્તાએ કહ્યું કે નક્સલી વિસ્તારો જેવા કે બીજાપુર, સુકમા અને દાંતેવાડા વિસ્તારોમાં નક્સલીઓ સાથે અથડામણ થાય ત્યારે ઇજાગ્રસ્ત સિક્યોરિટી જવાનોને તાકીદની સારવાર મળવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. એટલે લાંબા સમયથી આવી કોઇ સુવિધાની જરૂરિયાત હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલીક સારવાર પ્રાપ્ત ના થાય તો કેટલાક કિસ્સામાં વ્યક્તિ મરણ પણ પામે છે. એટલે CRPF લાંબા સમયથી આવી કોઇ સુવિધા માટે પ્રયાસ કરી રહ્યું હતું.

નોંધનીય છે કે એ માટે ન્યૂક્લીઅર મેડિસીન એેન્ડ એલાઇડ સાયન્સ વિભાગને અને ડીઆરડીઓને પણ જાણ કરવામાં આવી હતી. હવે આ ત્રણેના સહકારથી બાઇક એમ્બ્યુલન્સ તૈયાર થઇ હતી. બાઇકમાં પાછલી બેઠકના સ્થાને જરૂર પડ્યે વ્હીલચેર કે સ્ટ્રેચર ફિટ કરીને ઇજાગ્રસ્ત કે બીમાર વ્યક્તિને નજીકની હૉસ્પિટલમાં લઇ જવાની સુવિધા કરવામાં આવી છે.

(સંકેત)