Site icon Revoi.in

ખેડૂતોએ આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી, જણાવ્યો આ પ્લાન

Social Share

નવી દિલ્હી: ખેડૂત આંદોલનનો 26મો દિવસ ચાલી રહ્યો છે ત્યારે સરકારની તરફથી 40 ખેડૂત સંગઠનો સાથે વતાચીત માટે પત્ર મોકલાયો છે. પરંતુ ખેડૂતો જ્યાં સુધી કાયદો પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી લડી લેવાની તૈયારી દર્શાવી રહ્યા છે. જેના આધારે તેઓએ 27 ડિસેમ્બર સુધીનો તેમનો પ્લાન તૈયાર કર્યો છે અને સરકારને પણ જણાવી દીધો છે.

આપને જણાવી દઇએ કે ખેડૂતો છેલ્લા 26 દિવસથી સિંધુ બોર્ડર અને હરિયાણાની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે. તેમ છત્તાં હજુ કોઇ સમાધાન થયું નથી. કેન્દ્ર અને અન્નદાતાઓ પોતાની જગ્યાએ કાયમ છે. સોમવારે એટલે કે આજે ખેડૂતોએ 24 કલાકની ભૂખ હડતાળ કરી છે અને આંદોલનને વધારે ઉગ્ર બનાવ્યું છે.

ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે તેઓ રોજ ભૂખ હડતાળ કરશે અને સરકાર વાત નહીં માને તો અમે તેમને માનવા મજબૂર કરીશું. એટલું નહીં 23 ડિસેમ્બરના રોજ પ્રદર્શનકારીઓએ કિસાન દિવસ મનાવવાનું નક્કી કર્યું છે. જેમાં લોકોને અપીલ કરાશે કે તે દિવસે ખાવાનું ન બનાવો. સાથે ભોજન પણ ના કરો અને ખેડૂતોના આંદોલનને યાદ કરો.

બીજી તરફ સરકાર તરફથી પણ આંદોલનકારી ખેડૂતોને એક પત્ર મોકલવામાં આવ્યો છે અને વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પત્રમાં કેન્દ્રની તરફથી ખેડૂત નેતાઓની બેઠકની તારીખને લઇને સૂચનો માંગવામાં આવ્યા છે. પત્રના આધારે સરકાર ખેડૂતોની સમસ્યા સાંભળવા માટે તૈયાર છે. મંત્રાલયના આધારે સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે 40 ખેડૂત સંગઠનોને પત્ર લખ્યો છે. કહ્યું છે કે કેન્દ્ર ખેડૂતોની દરેક ચિંતાનું સમાધાન લાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

(સંકેત)