Site icon Revoi.in

ખેડૂત આંદોલન: મુજફ્ફરનગરમાં આજે મહાપંચાયત યોજાશે

Social Share

નવી દિલ્હી: 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેકટર પરેડ યોજવા દરમિયાન દિલ્હીમાં થયેલા ઘર્ષણ અને હિંસા બાદ દિલ્હી પોલીસ અને યુપી પોલીસ તથા પ્રશાસન ગાજીપુર બોર્ડર પર હવે ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે. અત્યારસુધી 37 ખેડૂત નેતાઓ પર FIR નોંધાઇ છે અને અનેકની વિરુદ્વ લુકઆઉટ નોટિસ પણ જાહેર થઇ છે. આ બાદ ખેડૂતો ધરણા ખતમ કરવા માટે તૈયાર થઇ રહ્યા હતા ત્યારે જ ખેડૂત નેતા રાકેશ ટિકૈતએ ગાજીપુર બોર્ડર પર આંદોલન ખતમ કરવાથી ઇન્કાર કરી દીધો છે. પ્રશાસન સાથે વાત કર્યા બાદ પણ તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે. બીજી તરફ ટિકૈતના ગામમાં શુક્રવારે પંચાયત મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રે રાકેશ ટિકૈત સાથે વાત કરવા મંચ પર ગાજિયાબાદના બે એડીએમ અને બે એસપી પહોંચ્યા હતા. એડીએમ શૈલેન્દ્રએ જણાવ્યું કે તેઓ તેમના ખબર અંતર પૂછવા આવ્યા હતા. હજુ કોઇ પ્રકારની કાર્યવાહી શરૂ નથી થઇ. આ પહેલા ગુરુવારે સાંજે અહીં દિલ્હી પોલીસના જીલ્લા ડેપ્યૂટી કમિશનર તરફથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી, જે મુજબ કોઇપણ પ્રકારના પ્રદર્શન કે એકત્ર થવા પર રોક લગાવી દીધી હતી.

અહીં પોલીસ તરફથી બસો અને વજ્ર વાહન પણ લાવવામાં આવ્યા હતા. ભારે સંખ્યામાં અહીં પોલીસ દળ, પેરામિલિટ્રી ફોર્સના જવાન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ સંકેત મળતા હતા કે ટૂંક સમયમાં ધરણાના સ્થળને ખાલી કરાવવામાં આવી શકે છે.

ખેડૂત નેતાઓનું કહેવું છે કે અહીંથી લોકો ભલે જતા રહે, પરંતુ હવે ફરી અહીં ખેડૂતો એકત્ર થશે. આજ સવાર સુધી મોટી સંખ્યામાં અહીં ખેડૂતો આવી જશે. મથુરા, ગાજિયાબાદ, મુજફ્ફરનગર, બિજનૌર અને સહારનપુરથી લોકો ગાજીપરુ બોર્ડ માટે રવાના થઈ ગયા છે.

આ દરમિયાન મોટી સંખ્યામાં મુજફ્ફરનગરમાં આજે મહાપંચાયત યોજાશે. બીકેયૂના ચીફ નરેશ ટિકૈત (Naresh Tikait)એ આ મહાપંચાયત બોલાવી છે, જે રાજકીય ઇન્ટર કોલેજમાં યોજાશે જેમાં અનેક આંદોલન અને રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ગાજીપુર બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને લઈ અગત્યનો નિર્ણય લેવામાં આવી શકે છે.

(સંકેત)