Site icon Revoi.in

વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી અંજલિબહેન પંડ્યાનું નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

Social Share

અમદાવાદ: વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી, કેન્દ્રીય પ્રબંધ સમિતિના પૂર્વ સભ્ય તેમજ અનેક વર્ષો સુધી કેન્દ્રીય વિહિપ તેમજ અમેરિકા વિહિપ વચ્ચે સમન્વયનું સક્રિયપણે કામ કરનારા અંજલિ બહેન પંડ્યાનું નિધન થયું છે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ અંજલીબહેન પંડ્યાના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામેની જંગ લડી રહ્યા હતા અને 6 મહિનાથી સારવાર અર્થે હોસ્પિટલમાં હતા.

અંજલિબહેન પંડ્યાનું વિશ્વ હિંદુ પરિષદ(અમેરિકા)માં યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેઓએ વિશ્વ હિંદુ પરિષદ (અમેરિકા)ના જનરલ સેક્રેટરીથી માંડીને સદસ્ય તેમજ મા સંસ્થામાં પૂર્ણ સમય માટે કાર્યકર તરીકે પણ કાર્ય કર્યું છે. તે ઉપરાંત ગ્લોબલ ઇન્ડિયન ફોર ભારત વિકાસ (GIBV-Bharat) માં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.

તેમના જીવન વિશેનો પરિચય

વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી અંજલિબહેન પંડ્યાના પતિ આર્કિટેક હતા. જો કે પુત્રના જન્મ બાદ માત્ર 1-2 વર્ષમાં પતિનું દેહાંત થયું હતું. પતિના નિધન બાદ તેમના સામાજીક કાર્યોની જવાબદારી પોતાના શિરે ઉઠાવવાની નેમ અંજલિબહેન પંડ્યાએ લીધી હતી.

અમેરિકામાં સ્વામી વિવેકાનંદજીના ભાષણની શતાબ્દિના અવસરે એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની વ્યવસ્થાની જવાબદારી અંજલિબહેન પંડ્યાએ સ્વીકારી હતી. તે ઉપરાંત વર્ષ 2000માં ન્યૂયોર્કમાં વિશ્વના દરેક ધર્મોના પ્રતિનિધિઓનું વૈશ્વિક સંમેલન યોજાયું હતું જેમાં ભારતના પણ 300 સંત મહાત્માઓની સેવાની જવાબદારી ઉઠાવનારી ટીમના પણ અંજલિબહેન પંડ્યા પ્રમુખ રહ્યા હતા.

ન્યૂજર્સીમાં વિશ્વ હિંદુ પરિષદ અમેરિકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં સંત મહાત્માઓ તેમજ કાર્યકર્તાઓ વચ્ચે અટલબિહારી બાજપેયીનું ઉદ્બોધન હતું. આ સમય દરમિયાન દરેક સંતોના પરિવારજનો માટે નિવાસની વ્યવસ્થા પણ અંજલિબહેન પંડ્યાએ કરી હતી. ભારતના સાંપ્રત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તે કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. પરિષદના મોટા ભાગના કાર્યોમાં તેઓ ઉપસ્થિત રહેતા હતા.

તે ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞના દરેક આયોજનમાં પણ તેમની સક્રિયપણે ભાગીદારી રહી હતી. વર્ષ 2007માં પ્રયાગરાજમાં સંગમ તટ પર વિશ્વ હિંદુ પરિષદ તરફથી ત્રીજુ વૈશ્વિક સંમેલન આયોજીત કરવામાં આવ્યું હતું. સંભવિત ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આયોજીત સંમેલનમાં ભાગ લેનારા વિશ્વભરના 15000 પ્રતિનિધિઓ માટે દરેક વ્યવસ્થાની જવાબદારીનું વહન અંજલિબહેન પંડ્યાએ સુપેરે પાર પાડ્યું હતું. જો કે સંમેલનના પ્રથમ દિવસે જ ભીષણ વર્ષાને કારણે આયોજન વેરવિખેર થઇ ચૂક્યું હતું. તેમ છતાં તેઓ સદાય પ્રસન્ન રહેતા હતા.

વિશ્વ હિંદુ પરિષદ (અમેરિકા)ના અભૂતપૂર્વ યોગદાન અને સમર્પણ આપનારા અને સદાય પ્રસન્ન રહેનારા એવા અંજલિબહેન પંડ્યાની અણધારી વિદાયથી સંસ્થામાં તેમજ કાર્યકર્તાઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરમાત્મા દરેકને આ દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ઓમ શાતિ.