Site icon Revoi.in

રોડ સેફ્ટી માટે નવતર પહેલ: ઝારખંડમાં લગ્નનું કાર્ડ દર્શાવનારી દુલ્હનોને મળે છે ફ્રી હેલ્મેટ

Social Share

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં દર વર્ષે અનેક માર્ગ અકસ્માત થાય છે ત્યારે રોડ સેફ્ટીનું મહત્વ ખૂબ જ છે ત્યારે રોડ સેફ્ટી અનુસંધાને ઝારખંડના જમશેદપુરમાં રાજ્યની ટ્રાફિક પોલીસે અનોખી પહેલ શરૂ કરી છે. અહીંયા લગ્નનું કાર્ડ બતાવનારી દુલ્હનોને ફ્રીમાં હેલ્મેટ આપવામાં આવે છે. જમશેદપુરની ટ્રાફિક પોલીસ છેલ્લા 1 મહિનાથી શહેરની કથળતી પરિવહન વ્યવસ્થા અને સડક દુર્ઘટનાઓને અંકુશમાં લેવા સતત અભિયાનો ચલાવી રહી છે. સાથે જ લોકોને માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃત્ત પણ કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ રોડ સેફ્ટીને ધ્યાનમાં લઇને જમશેદપુરમાં બાઇક પર સવાર બંને વ્યક્તિ માટે હેલમેટ ફરજીયાત કરી દેવાયું છે. આ કારણે અનેક વખત પોલી અને બાઇકસવારો વચ્ચે બબાલ થાય છે. અનેક નવપરિણીત મહિલાઓને તેમના પતિઓ હેલ્મેટનું બહાનુ કાઢીને ઘરમાંથી બહાર લઇ જવાની ના પાડી દે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જમશેદપુર ટ્રાફિક પોલીસે રવિવારે શહેરની અનેક નવપરિણીત દુલ્હનોને નિ:શુલ્ક હેલ્મેટ આપ્યા હતા.

ટ્રાફિક DSP બબનસિંહે આ અંગે જાણકારી આપતા કહ્યું કે, જે નવીનવેલી દુલ્હનને તેનો પતિ હેલ્મેટનું બહાનુ કાઢી બહાર નથી લઈ જતો તેવી દુલ્હનોને લગ્નનું કાર્ડ બતાવ્યા બાદ ટ્રાફિક પોલીસ તરફથી હેલ્મેટ આપવામાં આવે છે જેથી બંને પતિ-પત્ની સુરક્ષિત રીતે મુસાફરીનો આનંદ માણી શકે. શહેરની ટ્રાફિક પોલીસને સમાજસેવી સંગઠનો અને રાજકીય સંગઠનોનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે.

નોંધનીય છે કે, સમગ્ર દેશમાં દર વર્ષે અનેક માર્ગ અકસ્માતો થાય છે. આ પાછળ લોકોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃતતાનો અભાવ જવાબદાર છે. લોકો સરેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. હેલ્મેટ પહેરવાનું પણ જરૂરી નથી ગણતા જેને કારણે ક્યારેક ચાલક મોતના મોમાં પણ ધકેલાય જાય છે. આ વચ્ચે જમશેદપુર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલી આ નવતર પહેલ ખરા અર્થમાં સરાહનીય અને અનુસરણીય છે.

(સંકેત)