Site icon Revoi.in

ભારતીય સેનાનું સામર્થ્ય વધશે, દર વર્ષે 100 જેટલા ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ મળશે

Social Share

નવી દિલ્હી: ભારતીય સેનાનું સામર્થ્ય હવે વધશે. ભારતીય સેનાને દર વર્ષે લગભગ 100 નવા ફ્યૂચરિસ્ટિક ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ મળી શકશે. સેનાએ તેના માટે ટેન્ડર બહાર પાડ્યું છે. સેનાને પાકિસ્તાન બોર્ડરથી લઇને ચીન બોર્ડર સુધીમાં તેની જરૂર છે. તે સૈનિકો લાવવા અને લઇ જનારું કોમ્બેટ વ્હીકલ હશે. તેમાં એક એવી સિસ્ટમ હશે જે દુશ્મનની ટેન્કને નષ્ટ કરી શકશે. તે ઉપરાંત ઊંચાઇ પર ઉડતા દુશ્મનના હેલિકોપ્ટરને તોડી પાડવા માટે પણ પ્લેટફોર્મનું પણ કામ કરશે.

ફ્યૂચરિસ્ટિક ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ માટે હાલમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓને તેમનો ઇન્ટરરેસ્ટ જાહેર કરવા કહ્યું છે. શરત એ છે કે, કોન્ટ્રાક્ટ મળ્યાના બે વર્ષની અંદર આ કોમ્બેટ વ્હીકલનો સપ્લાય શરૂ થઇ શકે છે. દર વર્ષે ઓછામાં ઓછા 75-100 કોમ્બેટ વ્હીકલ આપવાના રહેશે. આ રીતે સેનાને દર વર્ષે એટલા નવા અને આધુનિક ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ મળી જશે.

સેનાને 1750 ફ્યુચરિસ્ટિક ઈન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલની જરૂર છે. તે દરેક કન્ડીશનમાં ફિટ હોવા જોઈએ. ટેન્ડરમાં કહેવાયું છે કે, તે રસ્તા ઉપરાંત રસ્તા ન હોય તેવી જગ્યાએ પણ ઉપયોગી હોવા જોઈએ. જમીનની સાથે પાણીમાં પણ ઉપયોગ કરવા લાયક હોવા જોઈએ. રેતાળ વિસ્તારોથી લઈને 5000 મીટરની ઊંચાઈ પર પણ તેનો ઉપયોગ કરાશે, એટલે દરેક કન્ડીશન માટે ફિટ હોવા જોઈએ.

ભારતીય સેનાએ જે જરૂરિયાત જણાવી છે, તેમાં કહેવાયું છે કે, તે રણમાં 0-5 ડિગ્રીથી લઈને 40-45 ડિગ્રી અને પહાડોમાં માઈનસ 10-માઈનસ 20થી લઈને માઈનસ 40 ડિગ્રી સુધી પૂરી ક્ષમતા સાથે કામ કરવા જોઈએ. તેની ઓપરેશનલ લાઈફ ઓછામાં ઓછી 32 વર્ષ હોવી જોઈએ. ભારતીય સેનાને એવા ફ્યુચરિસ્ટિક ઈન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલની જરૂર છે, જેને ઈન્ડિયન એરફોર્સના હાલના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, રેલવે મિલિટ્રી બોગી અને ટેન્ક ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય.