Site icon Revoi.in

ચીનમાં ફસાયેલા 23 ભારતીય નાવિકો આવતા સપ્તાહે ભારત પરત ફરશે

Social Share

નવી દિલ્હી: ચીનમાં ભારતના 23 નાવિકો ફસાયા છે ત્યારે કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીનમાં ફસાયેલા ભારતના 23 નાવિકો 14મી જાન્યુઆરી સુધી સ્વદેશ પરત ફરશે. ચીનમાં ફસાયેલા તમામ નાવિકોના રેસ્ક્યૂ માટે ભારતના જહાજ એમ.વી. જગ આનંદને મોકલવામાં આવ્યું છે. હાલ તે રસ્તામાં છે.

શિપિંગ મંત્રીએ કરેલી ટ્વીટમાં જણાવ્યું હતું કે, આ શીપ હાલ ચીબા, જાપાન પહોંચી રહ્યું છે. જે બાદમાં તમામ નાવિકોને રેસ્કયૂ કરવામાં આવશે. તમામ નાવિકો 14મી જાન્યુઆરી સુધી ભારતમાં પરત ફરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર લખ્યું છે કે, “ચીનમાં ફસાયેલા આપણા નાવિકો ભારત પરત ફરી રહ્યા છે. 23 ભારતીયો સાથેનું શીપ એમ.વી.જગ આનંદ કે જે ચીનમાં ફસાયું હતું તે જાપાનના ચીબા પહોંચશે. તમામ લોકો 14મી જાન્યુઆરીના રોજ ભારત પહોંચશે. નરેન્દ્ર મોદીની મજબૂત નેતાગીરીને કારણે આવું શક્ય બન્યું છે.”

કેન્દ્રીય મંત્રીએ વધુ એક ટ્વીટ કરીને લખ્યું છે કે, “તમામ નાવિકો 14મી જાન્યુઆરીના રોજ જાપાનના ચીબા પોર્ટ ખાતે પહોંચશે. કોરોનાને કારણે અહીં તમામ વિધિ પૂર્ણ કરવામાં આવશે. જે બાદમાં તેઓ ભારત પરત ફરશે.”

(સંકેત)