Site icon Revoi.in

સાયલન્ટ કિલર સબમરિન INS ‘કરંજ’ આજે નૌસેનામાં વિધિવત્ રીતે થઇ સામેલ

Social Share

નવી દિલ્હી: સાયલન્ટ કિલરનું બિરુદ પ્રાપ્ત કરનારી ઘાતક સબમરિન કરંજ આજે ભારતીય નૌસેનામાં સામેલ થઇ ચૂકી છે. જેના કારણે નૌ સેનાની તાકાતમાં વધારો થયો છે. નૌસેનાના ચીફ એડમિરલ કરમબીર સિંહ અને રિટાયર્ડ એડમિરલ વી એસ શેખાવતની હાજરીમાં તેને મુંબઇ ખાતે નૌસેનામાં સામેલ કરવામાં આવી હતી.

શા માટે કહેવાય છે સાઇલેન્ટ કિલર

આ સબમરિન કોઇપણ અવાજ વગર દુશ્મનના જહાજોને દરિયાના પેટાળમાં રહીને તબાહ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ જ વિશેષતાને કારણે તેને સાઇલેન્ટ કિલર કહેવાય છે. આ સ્કોર્પિયન ક્લાસની સબમરિન છે અને આ વર્ગની પહેલી બે સબમરિન કલવરી અને ખંડેરી પહેલા જ નૌસેનામાં સામેલ થઇ ચૂકી છે. હવે આ વર્ગની ચોથી સબમરિન વેલાની દરિયાઇ ટ્રાયલ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તે પણ નૌસેનામાં સામેલ થઇ જશે.

INS કરંજની વિશેષતા

INS કરંજમાં દરિયાની સપાટી પરથી અને દરિયાની અંદર રહીને ટોર્પિડો તેમજ એન્ટિ શિપ મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા છે. સાથોસાથ તેમાં અત્યાધુનિક સર્વેલન્સ ઉપકરણો પણ ફીટ કરવામાં આવ્યા છે. આ સબમરિન દરિયામાં બીછાવેલી માઇન્સ શોધવા માટે પણ સમર્થ છે.

નોંધનીય છે કે, તેની લંબાઈ 70 મિટર અને ઉંચાઈ 12 મીટર છે તથા તેનુ વજન 1600 જટન જેટલુ છે. સબમરિનની ટેકનોલોજી એ પ્રકારની છે કે, તે લાંબો સમય પાણીની અંદર રહી શકે છે અને તેને ઓક્સીજન લેવા માટે વારંવાર સપાટી પર આવવાની જરુર રહેતી નથી.

(સંકેત)