Site icon Revoi.in

સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 ગુજરાતી માટે કાશ્યપી મહાની પસંદગી

Social Share

નવી દિલ્હી: નવી દિલ્હી સ્થિત રવિન્દ્ર ભવન ખાતે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં આયોજીત અકાદમીની કાર્યકારી મંડળની બેઠકમાં 24 પુસ્તકોની સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 માટે પસંદગી કરવામાં આવી હતી.

જે 24 પુસ્તકોની પસંદગી કરવામાં આવી હતી તેમાં ગુજરાતી ભાષા માટે કાશ્યપી મહાની પસંદગી કરવામાં આવી છે. સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર- 2020 ગુજરાતી ભાષા માટે કાશ્યપી મહાને પ્રાપ્ત થયો છે. વર્ષ 2015માં હિન્દીમાં સ્વ. મૃદુલા સિન્હા દ્વારા લેખિત લંકાપતિ રાવણની પત્ની સતી મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’ના 2016માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે એમને આ પુરસ્કાર જાહેર થયો છે. પસંદગી પામેલા અનુવાદકોને રૂ.50,000ની રકમ સાથે એક તામ્રપત્ર હવે પછી એક જાહેર સમારંભમાં એનાયત કરાશે.

ગુજરાતી અનુવાદ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત થયો હતો. ‘પરિતપ્ત લંકેશ્વરી’ પુસ્તક સૌરાષ્ટ્ર યુનિ.ના એમ.એ.ના અભ્યાસક્રમમાં પણ સામેલ થયેલું છે.

અગાઉ પણ કાશ્યપી મહાને મળ્યા છે પુરસ્કાર

અગાઉ અનુવાદ સહિતના લેખિકાના તમામ પ્રકારના પુસ્તકોની શ્રેણીમાં વર્ષ 2016-17માં કાશ્યપી મહાને ગુજરાતી સાહિત્ય પરિષદનો અનુવાદ પુરસ્કાર પ્રાપ્ત થઇ ચૂક્યો છે. અંગ્રેજીમાં પોલ બ્રન્ટન દ્વારા લેખિત પુસ્તકનો કાશ્યપી મહા દ્વારા ગુજરાતીમાં થયેલા અનુવાદ ‘હિમાલય અને એક તપસ્વી’ને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

65થી વધુ પુસ્તકોનો કર્યો છે અનુવાદ

કાશ્યપી મહાને અત્યાર સુધીમાં મરાઠી, હિંદી તેમજ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં 65 ઉપરાંત પુસ્તકોનો અનુવાદ કર્યો છે. કાશ્યપી પત્રકારત્વમાં એમ.એ. અને એમ.ફિલ.ની પદવી ધરાવે છે. પત્રકારત્વના વીઝિટિંગ ફેકલ્ટી ઉપરાંત તેઓ અનેકવિધ ગુજરાતી અખબારો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદામીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં યોજાયેલી કાર્યકારી મંડળની બેઠકમાં પુરસ્કાર માટે પુસ્તકોની પસંદગી દરેક ભાષાની એક ત્રિસદસ્યીય નિર્ણાયક સમિતિ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતી ભાષા માટે ચયન સમિતિમાં પ્રા. સંજય શ્રીપાદ ભાવે, ડૉ. વર્ષા દાસ તેમજ નિરંજન રાજ્યગુરુએ પોતાની સેવા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ષ 2020 માટે સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના સાહિત્યકારો હરિષ મિનાશ્રુ (મુખ્ય પુરસ્કાર), નટવર પટેલ (બાલ પુરસ્કાર) તેમજ અભિમન્યુ આચાર્ય (યુવા ગૌરવ પુરસ્કાર)ને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે.