Site icon Revoi.in

લખીમપુર ખીરી કાંડ વિરુદ્વ રેલ રોકો આંદોલન, પંજાબ-હરિયાણા સૌથી વધુ પ્રભાવિત

Social Share

નવી દિલ્હી: લખીમપુર ખીરી કાંડને લઇને આજે દેશના અનેક વિસ્તારોમાં રેલ રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ તેની અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, લખીમપુર ખીરી કાંડના વિરુદ્વ સંયુક્ત કિસાન મોરચા આંદોલન કરી રહ્યું છે. જેની અસર આજે સવારથી પશ્વિમ યુપી, દિલ્હી, હરિયાણા અને પંજાબમાં જોવા મળી રહી છે. પંજાબ અને હરિયાણામાં સૌથી વધુ ટ્રેનોને રોકી દેવામાં આવી છે. મુસાફરો પણ હાલાકી ભોગવી રહ્યાં છે.

ખેડૂતો કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને પદ પરથી હટાવવા માટે રેલ રોકો આંદોલન કરી રહ્યાં છે. તેનું કારણ એ છે કે લખીમપુર હિંસા મામલે અજય મિશ્રાનો પુત્ર આશીષ મિશ્રા મુખ્ય આરોપી છે. જો કે આંદોલન અત્યારે શાંતિથી ચાલી રહ્યું છે. આંદોલનકર્તાઓ નવા કૃષિ કાયદાઓને પણ રદ કરવાની માંગણી કરી રહ્યાં છે.

સવારે 10 વાગ્યાથી ચાલુ થયેલુ રેલ રોકો આંદોલન સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આંદોલન દરમિયાન સ્થિતિ બેકાબૂ ના બને તે માટે હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં પોલીસની તૈનાતી કરાઇ છે અને ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે.

રેલ લોકો આંદોલનને કારણે ટ્રેન સેવા ખોરવાઇ જતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે અને મોટા ભાગના લોકો હવે રોડ મારફતે પરિવહન કરી રહ્યા છે. ખેડૂતોએ દિલ્હી-અંબાલા ટ્રેન રોકી તેમજ શાહપુર ગામ પાસે પણ ચક્કાજામ કર્યો હતો.

ખેડૂતોનું રેલ રોકો આંદોલન પંજાબ, હરિયાણા, જમ્મૂ કાશ્મીર, ઉત્તરપ્રદેશ તેમજ છત્તીસગઢમાં પણ જોવા મળી રહ્યું છે.