Site icon Revoi.in

હવે માત્ર મિસ્ડ કોલથી પણ એલપીજી સિલન્ડર બુક કરાવી શકાશે, દેશભરમાં આ યોજના લાગુ થશે

Social Share

નવી દિલ્હી: ગેસ સિલિન્ડરના ગ્રાહકોને માટે એક રાહતના સમાચાર છે. કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાએ કરેલી એક જાહેરાત મુજબ હવે માત્ર એક મિસ્ડ કોલથી પણ રાંધણગેસનું સિલિન્ડર મેળવી શકાશે. આમ તો છેલ્લાં થોડા વર્ષોથી ફોન દ્વારા સિલિન્ડર બૂક કરી શકાતું હતું. પરંતુ લોકોની એવી ફરિયાદ હતી કે ઘણીવાર બૂકિંગ માટે ફોન લાગતો નહોતો અને એમાં પ્રિરેકોર્ડેડ મેસેજ સિસ્ટમના કારણે મોટી ઉંમરાના ગ્રાહકોને તકલીફ પડતી હતી.

હવે નવા વર્ષથી કેન્દ્રના પેટ્રોલિયમ વિભાગે એલપીજી સિલિન્ડર બૂકિંગ માટે મિસ્ક કોલ સેવા શરૂ કરી છે. ગ્રાહકે જે ફોન નંબર પોતાના ડીલર પાસે રજિસ્ટર કરાવી રાખ્યો હોય એ નંબરથી મિસ્ડ કોલ આપવાથી સિલિન્ડરનું બૂકિંગ આપોઆપ થઇ જશે.

ઇન્ડિયન ઑઇલ દ્વારા અપાયેલી માહિતી અનુસાર કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ સુવિધા શરૂ કરવાની સૂચના આપી હતી. કોઇપણ ગ્રાહક 8454955555 પર મિસ્ડ કોલ કરીને પોતાના સિલિન્ડરનું બૂકિંગ કરાવી શકે છે. સાથોસાથ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ મિસ્ડ કોલ માટે કોઇ ચાર્જની વસૂલાત નહીં કરવામાં આવે. અત્યારે જે આઇવીઆરએસ છે એમાં ગ્રાહકે સામાન્ય ફોન કોલના દર ચૂકવવા પડે છે.

ગ્રાહકોની ફરિયાદ અંગે ઇન્ડિયન ઓઇલના પ્રવક્તાએ કહ્યું હતું કે આઇવીઆરએસ સિસ્ટમમાં ગ્રામ વિસ્તારના તો ઠીક, શહેરી વિસ્તારના વપરાશકારો પણ સતત ફરિયાદ કરતા હતા કે સિસ્ટમ અસરકારક રીતે કામ કરતી નહોતી. ખાસ કરીને સિનિયર સિટિઝન્સને આ સિસ્ટમ માફક આવતી નહોતી.

નોંધનીય છે કે જે લોકો ટેક્નોલોજીથી પરિચિત છે તેમના માટે સિલિન્ડર બુક કરાવવાની બીજી પણ સુવિધાઓ છે જેવી કે ઑનલાઇન બુકિંગ, એસએમએસ દ્વારા બૂકિંગ કે મોબાઇલ એપથી બૂકિંગ. આ રીતે પણ ગ્રાહક સિલિન્ડર બૂક કરાવી શકે છે.

(સંકેત)