Site icon Revoi.in

ખેડૂતો અને સરકાર વચ્ચેની 7માં સ્તરની બેઠક પણ કોઇ સમાધાન વગર પૂર્ણ, આગામી બેઠક 8 જાન્યુઆરીએ

Social Share

નવી દિલ્હી: દિલ્હીની સરહદો પર છેલ્લા 40 દિવસથી નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે સાતમાં સ્તરની બેઠક યોજાઇ હતી, પરંતુ સાતમાં સ્તરની બેઠક પણ પરિણામ વગર પૂર્ણ થઇ હતી. બંને પક્ષો વચ્ચે હવે આઠમી બેઠક 8 જાન્યુઆરીના રોજ યોજાશે.

સોમવારે યોજાયેલી આ બેઠકમાં ખેડૂત આગેવાનો ત્રણ નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ પર અડગ રહ્યા હતા, તો સામે કેન્દ્ર સરકારે પણ કાયદાઓ રદ ન કરી એમાં સુધારાની તૈયારીઓ બતાવી હતી. આ દરમિયાન કૃષિ મંત્રી સહિત કેન્દ્રિય મંત્રીઓએ ખેડૂત આગેવાનોને અપીલ કરી હતી કે કૃષિ કાયદાઓમાં સુધારાને માન્ય રાખે. ખેડૂત આંદોલન અને કેન્દ્ર સરકાર માટે આ બેઠક મહત્વની હતી કારણ કે ખેડૂતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે, જેના સમર્થનમાં દેશના મોટા ભાગના વિપક્ષ દળો આવી ચૂક્યા છે. ખેડૂતોના આંદોલનને લઇને તેઓ સરકાર પર દબાણ ઉભુ કરવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે જેથી સરકાર નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચે અને અન્નદાતાઓનું આંદોલન ખતમ થાય.

સોમવાર બેઠક શરુ થાય એ પહેલા આંદોલન દરમિયાન જીવ ગુમાવી બેઠેલા લોકો માટે બે મિનિટનો મૌન પળાયો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વર્તમાન સમયમાં ભારે વરસાદથી ઠંડીનું પ્રમાણ ખતરનાક વધી ગયું છે. એમ છતાં દિલ્હીની સિંધુ બોર્ડર સહિત અનેક બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.

બેઠક પહેલા પણ ખેડૂતો આગેવાનોએ એલાન કર્યું હતું કે જો તેમની માંગો સરકાર માન્ય નહીં રાખે તો 6 જાન્યુઆરીએ આંદોલન તેજ કરશે.

(સંકેત)