Site icon Revoi.in

સમગ્ર દેશમાં હવે ડ્રોનથી દવા તેમજ ચીજવસ્તુથી થશે ડિલિવરી, હાલમાં આ રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો

Social Share

નવી દિલ્હી: સામાન્યપણે વિદેશમાં તો ડ્રોનથી હોમ ડિલિવરી થતી હોય છે પરંતુ હવે ભારતમાં પણ ડ્રોન વડે દવાઓની હોમ ડિલિવરી શક્ય બનશે. તેલંગાણામાં મેડિસીન ફ્રોમ ધ સ્કાય નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, આ પ્રોજેક્ટનો ઉપયોગ કરીને દવાઓ તેમજ વેક્સિનની ડિલિવરી ડ્રોનથી કરાશે. હાલ તેલંગાણાના 16 ગ્રીન ઝોનમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.

તેલંગાણાના આઇટી મંત્રી સાથે મહત્વાકાંક્ષી અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સાથે ડ્રોન ક્રાંતિની શરૂઆત કરવામાં આવી છે. મેડિસીન ફ્રોમ ધ સ્કાયએ આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. જેમાં વેક્સિન અને અન્ય ચીજવસ્તુઓને દુર્ગમ અને દૂરના વિસ્તારોમાં ડ્રોન દ્વારા મોકલાશે.

દિલ્હી સ્થિત ડ્રોન ડિલિવરી ટેક ફર્મ સ્કાય એર મોબિલિટી દ્વારા બ્લૂ ડાર્ટ સાથે ટાઈ અપ કરીને પ્રોજેક્ટ માટે 3 ફેઝના ટ્રાયલ શરૂ કર્યો છે, જેમાં દરેક ડ્રોન તાપમાનને કાબૂમાં રાખતાં 175 વેક્સિન લઈ જશે. કંપનીએ જણાવ્યું કે, ટ્રાયલ બેઝ પર પ્રોજેક્ટ હોવાને કારણે કોરોના જેવી મહત્વપુર્ણ રસી નહીં, પણ શરૂઆતમાં અન્ય પ્રકારની રસીઓની ડિલિવરી કરવામાં આવશે.

પ્રોજેક્ટના પ્રારંભ દરમિયાન, વિક્રાબાદ જીલ્લા હોસ્પિટલથી 500 મીટર દૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર 400 ફૂટની ઊંચાઇએ ઉડતાં ડ્રોન દ્વારા 2-3 કિલો વજન ધરાવતાં બોક્સની ડિલિવરી કરવામાં આવી હતી. આ પ્રથમ પ્રકારનું ટ્રાયલ છે કે, જેમાં રસીની ડ્રોન દ્વારા ડિલિવરી કરવામાં આવી છે.