Site icon Revoi.in

સંસદ કેન્ટિનમાં સાંસદોને મળતી સબસિડી પર રોક લગાવાઇ

Social Share

નવી દિલ્હી: સંસદની કેન્ટિનમાં પહેલા સાંસદોને ભોજન પર સબસિડી મળતી હતી. જો કે હવે સાંસદોને મળતી આ સબસિડી પર રોક લગાવી દેવામાં આવી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંસદની કેન્ટિનમાં સાંસદોને ભોજન પર મળતી સબસિડી હવેથી નહીં મળે. જો કે તેમણે સાંસદોને ભોજન પર મળી રહેલી સબસિડીને ખતમ કરવા પાછળના કારણો વિશે માહિતી આપી નથી. તે ઉપરાંત ઉત્તર રેલવેના સ્થાને આઇટીડીસી સંસદની કેન્ટિન્સનું સંચાલન કરશે.

સબસિડી પર રોક બાદ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ સબસિડી પર રોક લગાવાથી લોકસભા સચિવાલયને વાર્ષિક 8 કરોડ રૂપિયાની બચત થશે.

તેમણે ઉમેર્યું હતું કે સંસદનું બજેટ સત્ર 29મી જાન્યુઆરીથી શરૂ થશે. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલશે. જ્યારે લોકસભાની કાર્યવાહી સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્ય સુધી ચાલશે. આ દરમિયાન શૂન્યકાળ તેમજ પ્રશ્નકાળનું પણ આયોજન કરવામાં આવશે.

કોરોના કાળમાં શરુ કરવામાં આવી રહેલા સત્રને લઇને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, સાંસદોના નિવાસ નજીક પણ RT-PCR ટેસ્ટ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને 27-28 જાન્યુઆરીએ સંસદ પરિસરમાં પણ RT-PCR તપાસ કરવામાં આવશે.

(સંકેત)