Site icon Revoi.in

સંસદીય સમિતિ સંરક્ષણ મામલે પૂર્વીય લદ્દાખની મુલાકાત લઇ શકે

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે તણાવ હવે ઓછો થઇ રહ્યો છે અને ચીને પોતાનું સૈન્ય ત્યાંથી હટાવ્યુ છે ત્યારે એક અહેવાલ પ્રમાણે સંરક્ષણ સંબંધી સંસદીય સ્થાયી સમિતિએ શુક્રવારે પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં ગલવાન ઘાટી અને પૈંગોંગ સરોવરની મુલાકાત લેવાનો નિર્ણય લીધો છે. આ એ જ ક્ષેત્ર છે જ્યાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામની અધ્યક્ષતામાં 30 સદસ્યો ધરાવતી સમિતિના સદસ્યો મે મહિનાના અંતિમ સપ્તાહમાં કે જૂનમાં પૂર્વીય લદ્દાખ ક્ષેત્રની મુલાકાત લેવા ઈચ્છે છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પણ આ સમિતિના સદસ્ય છે. પેનલની ગત બેઠકમાં આ ક્ષેત્રની મુલાકાત લેવાનો નિર્ણય લીધો હતો જેમાં રાહુલ ગાંધી નહોતા સામેલ. જો કે, પેનલ LACની મુલાકાત લેવા ઈચ્છે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર જવા માટે સમિતિએ સરકારની મંજૂરી લેવી પડશે.

સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે પૂર્વીય લદ્દાખના પૈંગોગ લેક વિસ્તારમાંથી સૈનિકોની પીછેહઠની પ્રક્રિયા મામલે સમજૂતી દરમિયાન પોતાના કોઈ વિસ્તારનો દાવો નથી છોડ્યો. ઉપરાંત દેપસાંગ, હોટ સ્પ્રિંગ્સ અને ગોગરા સહિતની અન્ય પેન્ડિંગ સમસ્યાઓને બંને દેશના સૈન્ય કમાન્ડર્સ વચ્ચેની આગામી વાર્તામાં ઉઠાવવામાં આવશે.

(સંકેત)

Exit mobile version