Site icon Revoi.in

છેલ્લા 2 વર્ષથી 2 હજારની નોટનું પ્રિન્ટિંગ જ બંધ છે: અનુરાગ ઠાકુર

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી બાદ 2,000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. જો કે છેલ્લા બે વર્ષથી 2,000 રૂપિયાની ચલણી નોટ છાપી જ નથી અને આ સમયગાળા દરમિયાન 2,000ની ઊંચા મૂલ્યની નોટનું ચલણ ઘટ્યું છે, એમ લોકસભામાં જણાવાયું હતું.

લેખિત જવાબમાં રાજ્યકક્ષાના નાણા પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતું કે, 30 માર્ચ 2018ના અંતે બે હજારની 336.2 કરોડ નોટ ચલણમાં હતી, વોલ્યુમ અને ટ્રેડના સંદર્ભમાં તેનો હિસ્સો 3.27 ટકા અને 37.26 ટકા થતો હતો. જ્યારે 26 ફેબ્રુઆરી 2021ના અંતે 2000ની ચલણી નોટના 249.9 કરોડ નંગ જ અમલમાં છે, તે વોલ્યુમ અને વોલ્યુમના સંદર્ભમાં કુલ ચલણના 2.01 ટકા અને 17.78 ટકા થાય છે.

આપને જણાવી દઇએ કે સરકાર રિઝર્વ બેંક સાથે ચર્ચા વિચારણા કરીને ખાસ પ્રકારની બેંક નોટ છાપવાનો નિર્ણય લે છે, તેથી જાહેર જનતાની નાણાકીય વ્યવહાર માટેની અનુરૂપ ચલણી નોટની માંગને ધ્યાનમાં લઇને તેની અનુકૂળતા મુજબનું ચલણ જારી રાખી શકાય. નાણાકીય વર્ષ 2019-20 અને 2021-21માં 2,000 રૂપિયાની બેંક નોટ છાપવા માટેની કોઇપણ પ્રક્રિયા ટંકશાળમાં કરવામી આવી ન હતી.

રિઝર્વ બેન્કે 2019માં જણાવ્યું હતું કે 2016-17ના નાણાકીય વર્ષ દરમિયાન 2000ની 354.29 કરોડ ચલણી નોટ છાપવામાં આવી હતી. પણ 2017-18માં ફક્ત 11.15 કરોડ નોટ જ છાપવામાં આવી હતી, 2018-19માં આ આંકડો ઘટીને 4.66 કરોડ થયો હતો.

તેમા એપ્રિલ 2019 પછી તો બે હજારની ચલણી નોટ પ્રિન્ટ જ કરવામાં આવી નથી. આ પગલાને કાળા નાણાને અંકુશમાં રાખવા અને ઊંચા ચલણી નોટોના સંગ્રહને અંકુશમાં રાખવાના પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે.

2000ની ચલણી નોટને નવેમ્બર 2016માં સરકારે કાળા નાણા અને નકલી ચલણને અંકુશમાં રાખવા 500 અને 1000ની નોટને ચલણમાંથી રદ કરી ત્યારે રજૂ કરવામાં આવી હતી. હવે નવી 500ની નોટ પ્રિન્ટ થઈ રહી છે, પરંતુ એક હજારની નોટ બંધ કરી દેવાઈ છે.

(સંકેત)