Site icon Revoi.in

ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચીનનું પ્રભુત્વ ઘટતા ભારતને થશે ફાયદો

Social Share

નવી દિલ્હી: ગ્લોબલ સપ્લાય ચેઇનને લઇને એક સર્વે કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર કોરોના મહામારીને પગલે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચીનનું પ્રભુત્વ ઘટતા ભારતને ફાયદો થશે. ફિક્કી ધ્રુરવ એડવાઇઝર્સ દ્વારા ચાલુ મહિનામાં કરાયેલા સર્વેમાં ભારતની 150થી વધુ કંપનીઓને આવરી લેવામાં આવી હતી.

આ સર્વેના તારણોની વિગતો આપતા ફિક્કીએ જણાવ્યુ હતું કે, કોરોનાને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચીનનું પ્રભુત્વ ઘટીને અન્ય અર્થતંત્ર તરફ વળ્યું છે. સર્વેમાં ભાગ લેનાર 70 ટકા કંપનીઓએ જણાવ્યું છે કે આ ફેરફારને કારણે ભારતને ચોક્કસ ફાયદો થશે. નજીકના ભાવિમાં ભારતમાં પણ ચીનની માફક ઉત્પાદન પ્રવૃત્તિઓ વધશે.

આગામી વર્ષે કોરોનાની વેક્સીન આવવાની આશાએ ઉદ્યોગપતિઓ તેમજ ગ્રાહકોમાં વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત થઇ રહ્યો છે. સર્વેમાં ભાગ લેનાર 74 ટકા કંપનીઓનું માનવું છે કે વેક્સીન ઉપલબ્ધ થઇ જતા જ તેમના બિઝનેસ પર સકારાત્મક અસર જોવા મળશે.

ફિક્કીના પ્રમુખ ઉદય શંકર અનુસાર ભારતને પોતાની મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ સુધારવી પડશે. આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ સરકારે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તો વધારવા અનેક પગલાં લીધા છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગની સ્પર્ધા વધારવા માટે પણ અનેક પગલાં લેવામાં આવ્યા છે.

આ સર્વેના તારણો પ્રોત્સાહજનક કહી શકાય અને હવે તમામ ઉદ્યોગપતિઓની નજર આગામી બજેટ પર છે. કોરોનાને પગલે આ વખતનું બજેટ સામાન્ય બજેટ કરતાં ભિન્ન રહેશે.

સર્વેમાં આત્મનિર્ભર-3 હેઠળ લેવાયેલા નિર્ણયોની પ્રશંસા કરવામાં આવી છે. ઓગસ્ટ 2020ની તુલનાએ ડિસેમ્બર, 2020માં કંપનીઓની સ્થિતિ સારી રહી છે. 50 ટકા કંપનીઓના ઓર્ડર બૂકમાં સુધારો જોવા મળ્યો છે જ્યારે 40 ટકા કંપનીઓની નિકાસમાં વૃદ્વિ જોવા મળી રહી છે.

(સંકેત)