Site icon Revoi.in

શ્રીનગરના શિતલ નાથ મંદિરના પ્રવેશદ્વાર 31 વર્ષ બાદ ખુલ્યા, મંત્રોચ્ચારથી મંદિર ગૂંજી ઉઠ્યું

Social Share

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ હવે થાળે પડી રહી છે અને હાલાત ઘણા બદલાઇ ગયા છે. જેનો પુરાવો શિતલનાથ મંદિર આપે છે. આ મંદિર છેલ્લા 31 વર્ષથી બંધ હતું જે ગઇ કાલે વસંતપંચમીના દિવસે ખોલવામાં આવ્યું. વસંત પંચમીના પર્વ પર અહીં વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હકીકતમાં, કાશ્મીર ખીણમાં આતંકવાદની શરૂઆત તેમજ હિંદુ વિરોધી માહોલ બન્યા બાદથી  આ મંદિર બંધ હતું. હવે જ્યારે હાલાત ફરીથી સામાન્ય થયા છે તો હબ્બા કદલ વિસ્તારમાં આવેલા મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મંદિરને ફરીથી ખોલવામાં સ્થાનિક લોકો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયનો ખૂબ સહયોગ મળ્યો છે. અહીં પહેલા લોકો પૂજા કરવા આવતા હતા, પરંતુ આતંકવાદના કારણે આ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. આસપાસ રહેતા હિંદુઓ પણ ડરીને ત્યાંથી પલાયન થઇ ગયા હતા. હવે મુસ્લિમ સમુદાયના લોકોના સહયોગથી આ મંદિરને ફરીથી ખોલવામાં આવ્યું છે.

શિતલનાથ મંદિર (Shital Nath Temple ) માં પૂજા કરાવી રહેલા રવિન્દર રાજદાને કહ્યું કે મંદિરને ફરીથી ખોલવામાં સ્થાનિક મુસ્લિમોનો સહયોગ સરાહનીય છે. તેમણે મંદિરની સફાઈમાં કરી અને તે ઉપરાંત પૂજા સામગ્રીની પણ વ્યવસ્થા કરી. તેમણે કહ્યું કે પહેલા અમે અહીં દર વસંત પંચમીએ પૂજા કરતા હતા. વાત જાણે એમ છે કે બાબા શિતલનાથ ભૈરવની જયંતી વસંત પંચમીના દિવસે આવે છે. આ જ કારણ છે કે આ દિવસની ધૂમધામથી ઉજવણી થાય છે.

નોંધનીય છે કે, કલમ 370 હટ્યા બાદથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ અને પથ્થરબાજીની ઘટનાઓમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ખીણમાં 2019માં 157 આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે 2020માં આ સંખ્યા વધીને 221 થઈ. એ જ રીતે 2019માં આતંકી ઘટનાઓના 594 કેસ હતા. જે 2020માં ઘટીને 244 થયા.

(સંકેત)