Site icon Revoi.in

RRB-NTPC પરીક્ષામાં ગેરરીતિનો મામલો, શુક્રવારે યુવા સંગઠનો દ્વારા બિહાર બંધનું કરાયું એલાન

Social Share

નવી દિલ્હી: બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી RRB, NTPC પરીક્ષામાં ગેરરીતિના આરોપો બાદ બિહારમાં વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા સ્ટુન્ડટ્સ યુનિયન (AISA) તેમજ અન્ય યુવા સંગઠનોએ રેલવે ભરતી બોર્ડની NTPC ફેઝ 1 પરીક્ષાના પરિણામોમાં કથિત ગેરરીતિ વિરોધમાં શુક્રવારે બિહાર બંધનું એલાન કર્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓના સંગઠનોએ વિદ્યાર્થીઓની માંગણીને લઇને એક સમિતિ બનાવવાના રેલવે મંત્રાલયના પગલાને છેતરપિંડી ગણાવી છે.

રેલવે મંત્રાલય દ્વારા જે સમિતિ રચવામાં આવી છે તે ચૂંટણી સુધી સમગ્ર મામલાને ઢાંકી રાખવાનું એક ષડયંત્ર હોવાનો આરોપ ઓલ ઇન્ડિયા સ્ટુન્ડટ્સ યુનિયન અને અન્ય યુવા સંગઠનોએ કર્યો છે. આ દરમિયાન સરકારે આશ્વાસન આપ્યું હોવા છતાં યુવા સંગઠનો માનવા તૈયાર નથી અને આ એક મોટું આંદોલન હોવાનું કહી રહ્યા છે.

રેલ્વે મંત્રાલયે નોકરીના અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના ઉકેલ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પેનલ 4 માર્ચ પહેલા પોતાનો રિપોર્ટ સોંપશે. આવી સ્થિતિમાં, આગામી મહિને યોજાનારી NTPC પરીક્ષાઓને સ્થગિત કરતી વખતે, કેન્દ્ર સરકારે નોકરી ઇચ્છુકોને તેમની ચિંતાઓ રજૂ કરવા માટે 3 અઠવાડિયા એટલે કે (16 ફેબ્રુઆરી) સુધીનો સમય આપ્યો છે.

નોંધનીય છે કે, RRB પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિનો આક્ષેપ કરીને વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક પર ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રદર્શનને જોતા રેલ્વેએ જ્યા આંદોલન વધુ ઉગ્ર છે તેવા વિસ્તારમાં ટ્રેનસેવા થોભાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં દરેક જગ્યાએ ટ્રેનો થંભી ગઈ હતી. સાથે જ અનેક ટ્રેનોના રૂટ બદલીને રેલ્વે ટ્રેન દોડાવવામાં આવી રહી છે.