Site icon Revoi.in

નિષ્ફળતા જ છે સફળતાની ચાવી, UPSCમાં નિષ્ફળતા બાદ 3 મિત્રોએ શરૂ કરી મશરૂમની ખેતી, આજે લાખોમાં થાય છે કમાણી

Social Share

ગંગાનગર: કહેવાય છે કે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. આ જ વાત રાજસ્થાનના ગંગાનગરમાં રહેતા ત્રણ યુવાનો સાર્થક કરી બતાવી છે. રાજસ્થાનના ગંગાનગર જીલ્લામાં રહેતા અભય બિશ્નોઇ, સંદીપ બિશ્નોઇ અને મનીષ બિશ્નોઇ ત્રણ મિત્ર છે. અભય તેમજ મનીષે અન્જિનિયરિંગ કર્યું છે જ્યારે સંદીપે MCAની ડિગ્રી હાંસલ કરી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ ત્રણેય મિત્રોએ અનેક વર્ષો સુધી UPSCની તૈયારી કરી. જો કે સફળતા પ્રાપ્ત ના થઇ. આ પછી ત્રણેય મિત્રોએ મળીને વર્ષ 2019માં મિલિટ્રી મશરૂમની ખેતી કરવાની શરૂ કરી. હવે તેઓએ મહેનતના ફળસ્વરૂપ પોતાની બ્રાંડ પણ સ્થાપિત કરી છે. દર મહિને તેઓને 50-60 ઓર્ડર મળે છે. તેનાથી દર વર્ષે 15-20 લાખ રૂપિયાની કમાણી થાય છે.

29 વર્ષના અભય બતાવે છે કે, એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓને દિલ્હીમાં નોકરી મળી હતી, પરંતુ પગાર ઓછો હતો અને પ્રગતિ પણ ઓછી નજર આવતી હતી. તેથી હું પાછો રાજસ્થાન પરત ફર્યો અને સરકારી નોકરીની તૈયારી શરૂ કરી. એક-બે વાર પ્રી એક્ઝામ માટે ક્વોલિફાય થયો, પરંતુ આગળ ના વધી શક્યો. મને એક સમયે એવું લાગ્યું કે શું અમે સમય વ્યર્થ તો નથી કરી રહ્યા ને?, ત્યારબાદ હું કંઇક નવું કરવા માટે વિચારવા લાગ્યો. આ દરમિયાન જ મને મિલિટ્રી મશરૂમ વિશે ખબર પડી. જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી તેના વિશે વાંચ્યું તો જાણ થઇ કે તેનું વેચાણ મોંઘા ભાવે થાય છે અને તેનાથી સારી કમાણીની તક છે.

અભય વધુમાં કહે છે કે ત્યારબાદ તેણે સંદીપ તેમજ મનીષ સાથે આના વિશે ચર્ચા વિચારણા કરી. તેઓને પણ મારું સૂચન પસંદ પડ્યું. ત્યારબાદ વર્ષ 2018માં અમે નૈનિતાલમાં એક સંસ્થાથી મિલિટ્રી મશરૂમની ખેતીની તાલીમ લીધી અને વર્ષ 2019માં અમારા ગામમાં જેબી કેપિટલ નામથી અમારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. લેબના નિર્માણ પાછળ 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો. અમે વાર્ષિક 15-18 કિલો મશરૂમનું ઉત્પાદન કરીએ છીએ. માર્કેટિંગ માટે અમે સોશિયલ મીડિયાને ઉપયોગમાં લીધું. જેના માધ્યથી લોકો ઓર્ડર કરે છે. ઓર્ડર મળ્યા બાદ અમે પેકેટ્સ તૈયાર કરીને મશરૂમની સપ્લાય કરીએ છીએ. રાજસ્થાન ઉપરાંત અમે મહારાષ્ટ્રમાં પણ અમારા મશરૂમની સપ્લાય કરીએ છીએ. ટૂંક સમયમાં અમે પોતાનુ પોર્ટલ શરૂ કરીશું તેમજ અમેઝોન પર પણ અમારી પ્રોડક્ટ્સ લિસ્ટ કરીશું.

શું છે મિલિટ્રી મશરૂમ

મિલિટ્રી મશરૂમ એક પ્રકારની દવાની પ્રોડક્ટ છે. તે પહાડી વિસ્તારોમાં કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. ચીન, ભૂટાન, તિબેટ, થાઇલેન્ડ જેવા દેશોમાં તેની ખેતી થાય છે. તેને કીડા જડી પણ કહેવાય છે કારણ કે તે એક ખાસ પ્રકારના કીડા Cordycepsથી તૈયાર થાય છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે તેને રેડ લિસ્ટમાં રાખ્યું છે. તેથી જ તેને હવે મોટા પાયે એક લેબમાં તૈયાર કરાઇ રહ્યું છે.

કેવી રીતે થાય છે તેની ખેતી

તેની ખેતી માટે કોઇ મોટા પ્લોટ કે ખેતીલાયક જમીનની આવશ્યકતા નથી. 15X15ના રૂમમાં પણ તેની ખેતી શક્ય છે. તેના માટે સૌપ્રથમ એક લેબનું નિર્માણ કરવું જરૂરી છે. જેમાં લાઇટ, તાપમાન, કંટ્રોલ, કાંચની બરણીઓ, ઓટો ક્લે, લેમિનાર ફ્લો, રોટરી શેકર જેવા ઉપકરણોની જરૂરિયાત રહે છે. આ દરેક ઉપકરણો માર્કેટમાં ઉપલબ્ધ છે. મિલિટ્રી મશરૂમ તૈયાર કરવા માટે સૌથી પહેલા કાંચની બરણીમાં બ્રાઉન રાઇસ નાંખીને 120 ડિગ્રી તાપમાન પર ઓટો ક્લે કરાય છે જેથી તે બેક્ટેરિયા ફ્રી થઇ જાય.

ત્યારબાદ બરણીમાં એસ્ટ્રોડ, પૈકટોન જેવા તત્વોનું મિશ્રણ કરીને Cordyceps Mushroomsના લિક્વિડ સ્ટ્રેનને મિશ્રિત કરાય છે. ત્યારબાદ તેને લેમિનારની અંદર 12 કલાક માટે રાખવામાં આવે છે. જ્યાં યુવી લાઇટ હોય છે. ત્યારબાદ બરણીને એક હપ્તા સુધી અંધારામાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને ફરીથી પ્રકાશમાં લાવવામાં આવે છે જેથી ફોટો સિંથેસિસ થઇ શકે અને મશરૂમ ગ્રો થવા લાગે. આ દરમિયાન તાપમાન 18 થી 22 ડિગ્રી સુધી રહેવું જોઇએ. સાથે જ 24 કલાકના મોનિટરિંગની પણ જરૂર પડે છે. આ બાદ લગભગ 3 મહિના બાદ મશરૂમ તૈયાર થઇ જાય છે. 1 400 ગ્રામની બરણીમાં 1.5-2 ગ્રામ મશરૂમનું ઉત્પાદન થાય છે.

(સંકેત)