Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો અનોખો વિરોધ, યુવતીને કન્યાદાનમાં અપાયું 2 લીટર પેટ્રોલ

Social Share

મેરઠ: ભારતમાં અત્યારે આસમાને પહોંચેલા પેટ્રોલ-ડીઝલના ભાવથી જનતાની કમર તૂટી ચૂકી છે. દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ 100ને પાર કરી ગયું છે અને લોકો પણ હવે તેનો અલગ જ અને અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે. મેરઠના હસ્તિનાપુરમાં એક લગ્નમાં યુવતીને કન્યાદાનમાં 2 લીટર પેટ્રોલ આપવામાં આવ્યું છે. આ રીતે પેટ્રોલ આપીને પેટ્રોલની વધતી કિંમતો સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

હવે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે અને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. ગરીબ, મજૂર તેમજ મધ્યમવર્ગની કમર તૂટી ચૂકી છે. ગેસમાં પણ એલપીજીમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે.

અનોખા અંદાજમાં કર્યો વિરોધ
હસ્તિનાપુર વિધાનસભાના ગામ અલીપુર મોરનામાં એસપી નેતા કિશોર વાલ્મિકી હસ્તિનાપુરના જ બાબુરામની દીકરી સુનિતાના લગ્નમાં ગામમાં પહોંચી હતી અને કન્યાદાનમાં બે લીટર પેટ્રોલ આપીને, પેટ્રોલ-ડીઝલની કૂદકેને ભૂસકે વધતી જતી કિંમતોનો અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

નોંધનીય છે કે, સરકાર વારંવાર પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારતી જ જઇ રહી છે. જેથી પેટ્રોલ-ડીઝલની કિંમત 100ને પાર થઇ છે. ગરીબ, મજૂર વર્ગ આ ભાવવધારાથી ત્રસ્ત છે અને સમગ્ર રીતે બરબાદ થઇ ચૂક્યા છે. એલપીજીના ભાવમાં પણ બેફામ વધારો કરવો અને સબસિડી ના આપવી એ કેન્દ્ર સરકારની નિયત પર સવાલ ઉભા કરે છે તેવું કિશોર વાલ્મિકીએ કહ્યું હતું.

(સંકેત)