Site icon Revoi.in

આગામી વર્ષોમાં આવનારી મહામારીઓથી બચવા વૈજ્ઞાનિકોએ સૂચવ્યા આ ઉપાયો

Social Share

નવી દિલ્હી: એક તરફ કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ઇબોલાને ઓળખનારા ડૉક્ટર જીન જેક્સ મુએમ્બ તામફમે વિશ્વને ચેતવણી આપી છે કે કોરોના કરતાં પણ વધારે ખતરનાક ડિસીઝ એક્સ ત્રાટકે તેવી શક્યતા છે. એક્સ એટલે એવો વાયરસ જેની ઓળખ નથી થઇ. આ ડોક્ટર અનુસાર જો આ રોગ ત્રાટકશે તો સમગ્ર વિશ્વમાં તબાહી સર્જાશે.

ઇબોલાને ટ્રેક કરનારા ડોક્ટર જીન જેક્સ મુએમ્બ તામફનના કહેવા અનુસાર ડિસીઝ એક્સ નામનો જે વાયરલ ફેલાશે તે ઇબોલા કરતાં પણ ખતરનાક હશે અને કોરોના કરતાં પણ વધારે ભયાનક હશે. તે એટલી ઝડપી ગતિએ ફેલાશે કે ઇબોલા કરતાં 50 ટકા વધારે મૃત્યુ થવાની સંભાવના છે. કોંગોની એક મહિલામાં ડિસીઝ એક્સના લક્ષણો જોવા મળ્યા હતા.

આ ચેતવણીની સાથોસાથ વૈજ્ઞાનિકોએ પણ આગામી મહામારીઓથી બચવાના ઉપાયો દર્શાવ્યા છે. ગ્લોબલ સાયન્ટિસ્ટ કોમ્યુનિટીને કોરોના મહામારી દરમિયાન સવાલો કરાયા હતા કે મહામારીઓથી બચવાના ઉપાયો શું હોઇ શકે જેના જવાબમાં ત્રણ તારણ હતા.

સંશોધકો અનુસાર વાઇલ્ડ લાઇફનું સંવર્ધન ખૂબ જ આવશ્યક છે. તે ઉપરાંત માનવ સિવાયના સજીવો કે જેનો સંપર્ક માણસ સાથે થાય છે તેની નિયમિત મેડિકલ તપાસ થવી જોઇએ. જમીનનું બિનજરૂરી દોહન અટકાવવું જોઇએ. અમર્યાદ ખોદકામ તેમજ બેહિસાબ ખનીજો મેળવવાની લાલચ ઓછી કરવી જોઇએ. તે ઉપરાંત માણસની રોગપ્રતિકારક શક્તિ વિકસે અને સ્વાસ્થ્ય ક્ષેત્રનો વિકાસ થાય તે દિશામાં પગલાં ભરવા જોઇએ.

જો આ ત્રણ મુખ્ય તારણો પર ધ્યાન આપવામાં આવે તો આ દશકામાં ત્રાટકનારી સંભવિત મહામારીઓથી બચી શકાય એમ છે. અમેરિકા-બ્રિટન, ફ્રાન્સ, ભારત સહિતના દેશોના વૈજ્ઞાનિકોએ આપેલી પ્રતિક્રિયાના આધારે આ તારણ રજૂ થયું હતું.

(સંકેત)