Site icon Revoi.in

ખેડૂતોએ આંદોલન વચ્ચે આપ્યા સંકેત, સરકાર સાથેની હવેની બેઠક અંતિમ બેઠક હોઇ શકે છે

Social Share

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાને લઇને છેલ્લા 45 દિવસથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે તેઓ 15 જાન્યુઆરીએ સરકાર સાથે નવમાં ચરણની મંત્રણામાં ભાગ લેશે  અને ખેડૂતોએ સંકેત આપ્યો છે કે કદાચ સરકાર સાથેની તેમની આ અંતિમ બેઠક હશે. તેઓએ એવું પણ કહ્યું હતું કે હવે તેઓને સરકાર પાસેથી કોઇ આશા રહી નથી અને તેઓ કૃષિ કાયદા પાછા ખેંચવા સિવાય બીજુ કોઇ સમાધાન ઇચ્છતા નથી.

કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા એક પેનલ બનાવાઇ છે અન તેઓ કદાચ 19 જાન્યુઆરીએ પ્રથમ બેઠક યોજશે. જ્યારે શુક્રવારે સરકાર સાથેની ખેડૂતોની બેઠક અંતિમ બની શકે છે. ભારતીય કિસાન સંઘના જોગિન્દર સિંહ ઉગ્રહાને જણાવ્યું હતું કે, અમે આવતીકાલે સરકાર સાથે વાતચીત કરીશું. અને શુક્રવારની બેઠકમાંથી સરકાર પાસે કોઇ આશા નથી.

યુનિયનો કોઈ પણ સમિતિ ઈચ્છતા નથી તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે અમે ફક્ત એટલું ઈચ્છીએ છીએ કે સરકાર ત્રણેય કૃષિ કાયદા પાછા લઈ લે અને અમારા પાક માટે ટેકાના ભાવની કાયદાકિય ખાતરી આપે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન બંધ થશે નહીં.

અન્ય એક ખેડૂત નેતા અભિમન્યુ કોહરે જણાવ્યું હતું કે, સરકાર જાણે છે કે કોર્ટ કાયદા પાછા ખેંચી શકવાની નથી અને તેથી સરકારે ખેડૂતોની લાગણીઓ સાથે ચેડા કરવાનું બંધ કરી દેવું જોઈએ. સમિતિની રચના કરવી આ મુદ્દાનું સમાધાન નથી. આ નવા કાયદા પાર્લામેન્ટ દ્વારા પાસ કરવામાં આવ્યા છે અને તેથી કોર્ટ તેમાં કંઈ વધારે મદદ કરી શકે તેમ નથી. નોંધનીય છે કે 28 નવેમ્બરથી ખેડૂતો દિલ્હીની કેટલીક બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

(સંકેત)