Site icon Revoi.in

વાંચો એશિયાના સૌથી મોટા વુમન માર્કેટ વિશે જ્યાં 5000 મહિલાઓ કરે છે માર્કેટનું સંચાલન

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઇ ચાનુએ સિલ્વર મેડલ હાંસલ કર્યા બાદ સમગ્ર દેશનું ધ્યાન હવે અચાનક જ મણિપુરની મહિલાઓ તરફ ગયું છે. તમને એ પણ નવાઇ લાગશે કે અહીંયા મહિલા સશક્તિકરણ નોંધપાત્ર છે. અહીંની મહિલાઓ હરહંમેશ પુરુષો કરતા આગળ રહી છે. તેનું સૌથી મોટું દ્રષ્ટાંત ઇમા કેથલ માર્કેટ છે.

મણિપુરના ઇમ્ફાલના ખાવેરબંધમાં સ્થિત આ બજાર શહેરનું કેન્દ્ર છે. 15મી સદીમાં બનેલ એશિયાનું આ સૌથી મોટું મહિલા બજાર છે જે સંપૂર્ણપણે 5000 મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ બજાર એક સંસ્થાની જેમ કાર્યરત છે અને તેના પોતાના અધિકારો પણ છે.

ઘણી મહિલાઓની તો પેઢીઓથી દુકાન છે. અહીં તમામ પ્રકારની વસ્તુઓ વેચાય છે, જેમાં હસ્તકલાનો સામાન, રમકડાં, કપડાં, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો, મસાલા, શાકભાજી, માંસ અને તે તમામ વસ્તુઓ જે ઘરોમાં વપરાય છે તે વેચાય છે. આ બજારમાં પુરુષોની કોઈ ભૂમિકા નથી.

500 વર્ષ જૂનો ઇતિહાસ

બજારની ખાસિયતની વાત કરીએ તો આ બજાર 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. તે સમયથી જ્યારે ઇમ્ફાલમાં ચલણ નહોતું. ત્યારે પણ અહીંની મહિલાઓ એકબીજા સાથે સામાનની આપલે કરી હતી. બજારની ત્રણ ઇમારતોમાં શું કરવું અને શું ન કરવું તેના પણ નિયમો બનાવવામાં આવ્યા છે. બજારમાં કડક નિયમ એ છે કે પુરુષો અહીં ન તો વેપાર કરી શકે છે અને ન તો કોઇ માલ વેચી શકે છે. હા પુરુષો અહીં સામગ્રી ખરીદવા માટે પ્રવેશપાત્ર છે.

આ બજાર સંપૂર્ણપણે મહિલાઓનું હોઈ શકે છે કારણ કે મણિપુરના મેઈતી જાતિના પુરુષો ચીની અને બર્મીઝ સાથે મોટાપાયે યુદ્ધમાં રોકાયેલા હતા. તેથી, પરિવારની સંભાળ રાખવાની જવાબદારી મહિલાઓ પર આવી હતી. અહીં માત્ર આર્થિક વ્યવહાર જ નથી, પરંતુ ઘણી વખત મહિલાઓ અહીં રાજકીય વલણ અપનાવે છે.

અહીં કેટલીક મહિલાઓને દુકાન માટે જગ્યા પણ ફાળવવામાં આવી છે, જે વિધવા છે, કુંવારી છે અથવા જેમના પતિઓની હત્યા કરવામાં આવી છે. આ બજાર એકદમ પ્રખ્યાત હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેને જોવા આવે છે.