Site icon Revoi.in

દિવાળી પર આ કારણોસર ઘુવડની તસ્કરીનું જોખમ વધ્યું, તસ્કરી રોકવા માટે વન પ્રભાગોમાં એલર્ટ

Social Share

નવી દિલ્હી: દર વર્ષે દિવાળીના તહેવાર પર લુપ્ત થતી જઇ રહેલી ઘુવડ પક્ષીની પ્રજાતિ પર જોખમ વધી જાય છે. દર વર્ષે દિવાળી પર સિદ્વિ પ્રાપ્તિ અને તંત્ર-મંત્ર માટે ઘુવડની બલિ ચડાવવાની અંધશ્રદ્વાને કારણે ઘુવડની મોટા પાયે તસ્કરી થતી હોય છે. ત્યારે હવે ઘુવડની તસ્કરીને મોટા પાયે રોકવા માટે રાજાજી નેશનલ પાર્ક, રામનગર વન પ્રભાગ, તરાઇ પશ્વિમી વન પ્રભાગના જંગલોમાં આ માટેની કવાયત હાથ ધરાઇ છે.

જ્યાં ઘુવડની હાજરી હોય તેવી જગ્યાઓ પર પેટ્રોલિંગ તેજ કરવા તેમજ ત્યાં મોનિટરિંગની ગતિવિધિઓ વધારવા માટેના આદેશો રેન્જ સ્ટાફને અપાયા છે. જો કોઇ ઘુવડ તસ્કરીમાં પકડાશે તો વન વિભાગ દ્વારા તેની વિરુદ્વ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

ભારતમાં એવી સ્થિતિ જોવા મળે છે કે, દર વર્ષે દિવાળીના તહેવાર પર લોકો પોતાના અંગત હિતો સાધવા માટે અનુષ્ઠાન તેમજ તંત્ર-મંત્ર કરવા માટે ઘુવડની બલિ ચડાવે છે અને અંધવિશ્વાસમાં આવું કરે છે. તે ઉપરાંત ઘુવડ લક્ષ્મી માતાનું વાહન હોવાથી પણ લોકો ઘુવડ પકડીને દિવાળીના પર્વ પર તેની પૂજા કરે છે. ઘુવડની માંગ વધતા જ તસ્કરીનું પ્રમાણ પણ વધી જાય છે.

નોંધનીય છે કે, યુનાની સંસ્કૃતિમાં તેનો સંબંધ કલા અને કૌશલ્યની દેવી એથેના સાથે માનવામાં આવ્યો છે. જાપાનમાં તેને દેવતાઓના સંદેશાવાહક તરીકે માન્યતા મળી છે. ભારતમાં હિંદુ માન્યતા પ્રમાણે તે ધનની દેવી લક્ષ્મીનું વાહન છે. આ જ કારણોસર દિવાળીના પર્વ દરમિયાન તેની તસ્કરી વધી જાય છે.