Site icon Revoi.in

પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું કર્યું અનાવરણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંગે આપ્યું આ નિવેદન

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર દેશ પરાક્રમ દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવા ઉપરાંત સ્થાપના સમારોહમાં વર્ષ 2019, 2020, 2021 અને 2022 માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર પણ એનાયત કર્યો હતો.

પીએમ મોદીએ અનાવરણ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય ઘણા વર્ષો સુધી કૃષિ વિભાગની પાસે હતો એ એક હેરાન કરનારી વ્યવસ્થા હતી. દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આવી જ રીતે ચાલતું હતું. વર્ષ 2001ના ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ જે કંઇ થયું તેણે દેશને નવેસરથી વિચારવા મજબૂર કરી દીધો છે.

ડિઝાસ્ટરને લગતા કાયદા અંગે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તે સમયનો જે અનુભવ હતો તેમાંથી શીખીને અમે ડિઝાસ્ટરને પહોંચી વળવા માટે ગુજરાતમાં એક કાયદો ઘડ્યો હતો. ત્યાર બાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની રચનાનો માર્ગ મોકળો થયો. આ જ કારણોસર કોરોના સામેની લડાઇમાં દેશને ઘણી મદદ મળી રહી છે.